- જો તમે પણ આ કામ કરશો તો વોટ્સએપ થઇ જશે બેન
- જાણો ક્યાં સંજોગોમાં તમારું એકાઉન્ટ થઇ શકે છે બેન
- બેનથી બચવા માટે અહીંયા આપેલા સૂચનો ફોલો કરો
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ હોય તો તે વોટ્સએપ છે. ભારતમાં પણ વોટ્સએપ કરોડો યૂઝર્સ ધરાવે છે. જો કે વોટ્સએપની કેટલીક પોલિસી અંતર્ગત જો તમે નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થઇ જશે.
થોડાક સમય પહેલા વોટ્સએપે આવા બ્લોક કરેલા એકાઉન્ટ્સ વિશે જાણકારી આપી હતી. વોટ્સએપ અનુસાર ઑગસ્ટ મહિનામાં 20,70,000 ભારતીય એકાઉન્ટ્સ બેન કરવામાં આવ્યા હતા. અગાઉ 16 જૂનથી 31 જુલાઇ વચ્ચે 30,27,000 યૂઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો તમે પણ કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારું વોટ્સએપ એકાઉન્ટ બેન થઇ શકે છે. તો તમારે પણ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે.
થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ
વોટ્સએપ જેવી અન્ય અનેક એપ્સ છે જે રસપ્રદ ફીચર્સ ધરાવે છે. આ એપ્સમાં જીબી વોટ્સએપ, વોટ્સએપ પ્લસ, વોટ્સએપ મોડ જેવી થર્ડ પાર્ટી એપ્સ સમાવિષ્ટ છે. આ એપ્સમાં ઑનલાઇન સ્ટેટસ હાઇડ કરવાથી લઇને લાસ્ટ સીન ના દેખાય ત્યાં સુધીના અનેકવિધ ફીચર્સ આવે છે. આ થર્ડ પાર્ટી એપ્સના ઉપયોગથી પણ તમારું એકાઉન્ટ બેન થઇ શકે છે.
તે ઉપરાંત જો કોઇ અજાણ્યા નંબરથી માર્કેટિંગને લગતા સંદેશો મોકલવામાં આવે તો યૂઝર્સ સ્પામ માર્ક કરીને સેન્ડરને બ્લોક કરી દેવામાં આવે છે. જો તમે વોટ્સએપ પર માર્કેટિંગ મેસેજ પ્રાઇવેટ ચેટ કે બ્રોડકાસ્ટ દ્વારા મોકલો છો તો પણ તમારું એકાઉન્ટ બ્લોક થવાની શક્યતા રહેલી છે.
કેવી રીતે કરી શકો એકાઉન્ટ રિસ્ટોર
જો તમારું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થઇ જાય તો ચિંતા કરશો નહીં કારણ કે તેને થોડા સમય બાદ રિસ્ટોર કરી શકાય છે પરંતુ જો ફરીથી નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમારું એકાઉન્ટ હંમેશા માટે બેન થઇ શકે છે. જો તમને એમ લાગે કે લાગેલો બેન ખોટો હતો તો એકાઉન્ટ રિસ્ટોર માટે તમે વોટ્સએપ સપોર્ટને લખી શકો છો.