
ફેસબૂકના માલિક ઝુકરબર્ગ પોતે જ ‘સિગ્નલ એપ’નો કરે છે ઉપયોગ, ડેટા લીક બાદ થયો ઘટસ્ફોટ
- સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો
- આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબૂક યૂઝર્સના પર્સનલ ડેટા લીક થયા
- આ ડેટા લીક પ્રમાણ માર્ક ઝુકરબર્ગ પોતે સિગ્નલ એપ યૂઝ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ફેસબૂકના યૂઝર્સનો ડેટા લીક થયો હોવાની ઘટના ફરીથી સામે આવી છે. જેમાં ફેસબૂકના માલિક માર્ક ઝુકરબર્ગનો ડેટા પણ સમાવિષ્ટ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઝુકરબર્ગ પોતે ‘સિગ્નલ મેસેજિંગ એપ’નો વપરાશ કરી રહ્યા હતા. આ વખતે માર્ક ઝુકરબર્ગ સહિત 53 કરોડથી વધુ ફેસબૂક યૂઝર્સના પર્સનલ ડેટા લીક થયા છે. જેમાંથી 60 લાખથી વધુ ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લીક થયેલા ડેટામાં યૂઝરના નંબર, ઇ-મેઇલ, સ્થાન, જન્મતિથી અને વૈવાહિક સ્થિતિ પણ સામેલ છે. સિક્યોરિટી રિસર્ચર ડેવ વોકરે જણાવ્યું હતું કે, ઝુકરબર્ગ એના લીક થયેલા નંબર પરથી સિગ્નલ એપનો વપરાશ કરી રહ્યો છે. તેઓએ સોશિયલ મીડિયામાં ઝુકરબર્ગનો લીક થયેલો નંબર એક સ્ક્રીન શોટના માધ્યમથી પ્રદર્શિત કર્યો હતો.
તેમાં કહેવામાં આવ્યું છે કે ઝુકરબર્ગ સિગ્નલ એપ પર છે. એક અહેવાલ અનુસાર, આ ડેટા 2020માં લીક થયા હતા. ફેસબૂકમાં આવેલી એક ટેકનિકલ ખામીના કારણે તમના એફબી એકાઉન્ટ સાથે નંબર પણ નજર આવી રહ્યા હતા.
નોંધનીય છે કે, વર્ષ 2021ની શરૂઆતમાં ફેસબુકની માલિકી વાળા ‘વ્હોટ્સએપની પ્રાઈવસી પોલિસી-2021’ના કારણે પણ ઘણો વિરોધ પ્રદર્શિત થયો હતો. એવામાં ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ દ્વારા અન્ય મેસેજિંગ એપનો વપરાશ કરાતી હોવાની વાત પણ ઘણા વિવાદો ઉપજાવી શકે છે.
(સંકેત)