તેજસ ફાઈટર જેટ ફરી આકાશ ગજવશે: સુરક્ષા તપાસ બાદ 34 વિમાનો ઉડાન ભરવા તૈયાર
બેંગલુરુ, 2 એપ્રિલ 2026: ભારતીય વાયુસેનાના ગૌરવ સમાન સ્વદેશી લડાયક વિમાન ‘તેજસ’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) ના ચેરમેન અને સીએમડી ડો. ડી.કે. સુનીલે જણાવ્યું છે કે તેજસ વિમાનોને ફરીથી ઓપરેશનલ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સમયમાં તેને અંતિમ મંજૂરી મળી જવાની શક્યતા છે. તાજેતરમાં એક અકસ્માત બાદ સાવચેતીના ભાગરૂપે તેજસના કાફલાની ઉડાન પર કામચલાઉ રોક લગાવવામાં આવી હતી. ડો. સુનીલે માહિતી આપી હતી કે, “લોકલ મોડિફિકેશન કમિટીએ પોતાનું કામ પૂરું કરી લીધું છે. ફાઈનલ ક્લિયરન્સ મળ્યા બાદ તેજસનો સમગ્ર કાફલો ફરીથી આકાશમાં ઉડાન ભરવાનું શરૂ કરી દેશે.”
વિમાનોને સેવામાં પાછા લાવતા પહેલા વાયુસેનાને કેટલાક ખાસ દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. વાયુસેનાને ‘વન-ટાઇમ ચેક’ની યાદી સોંપવામાં આવી છે. અગાઉની ઘટનાને ધ્યાનમાં રાખીને વિમાનોની બ્રેકિંગ સિસ્ટમ અને અન્ય સુરક્ષા પાસાઓની અત્યંત ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. આ તમામ ટેકનિકલ તપાસ પૂર્ણ થયા બાદ જ પાયલોટ્સ વિમાન સાથે ઉડાન ભરી શકશે. HAL ના ચેરમેને કાફલાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના પાસે કુલ 36 તેજસ વિમાનો હતા. જેમાંથી 2 વિમાન હવે કાફલાનો હિસ્સો નથી, એટલે કે હાલમાં 34 વિમાનો કાર્યરત છે. આ 34 વિમાનોમાં 30 લડાયક વિમાનો અને 4 ટ્રેનર વિમાનોનો સમાવેશ થાય છે.
LCA તેજસ એ સિંગલ એન્જિન ધરાવતું, મલ્ટિ-રોલ હલકું લડાયક વિમાન છે. તે અત્યંત જોખમી વાતાવરણમાં પણ દુશ્મનોનો સામનો કરવા માટે સક્ષમ છે. હવાઈ સુરક્ષામાં અત્યંત ચપળ, સમુદ્રી સીમાઓની સુરક્ષા માટે સક્ષમ અને દુશ્મનના ઠેકાણાઓ પર ચોકસાઈપૂર્વક હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. નિષ્ણાતો માને છે કે તેજસની વાપસીથી ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતામાં ફરી વધારો થશે અને સરહદો પર સુરક્ષા વધુ મજબૂત બનશે.
આ પણ વાંચોઃ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાની તૈયારીઓઃ ટ્રમ્પ


