અમદાવાદ, 10 માર્ચ, 2026: Temperatures at 42 degrees in Rajkot & Surendranagar, રાજ્યમાં માર્ચ મહિનામાં જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદ, ડીસા અને કંડલામાં તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો હતો. રાજ્યભરમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી મે મહિનામાં રેકર્ડબ્રેક તાપમાન નોંધાય તેવી શક્યતા છે. હાલ ગુજરાતમાં તાપમાનમાં એકાએક વધારો થતાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 17 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ઉનાળાના પ્રથમ એવા ફાગણ મહિનામાં તામપાનનો પારો 41 ડિગ્રીએ પહોચતા લોકો અસહ્ય ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. અમદાવાદમાં મોટાભાગના મકાનો બિલ્ડિંગો પર સોલાર સિસ્ટમને લીધે સૂર્યના કીરણો રિફ્લેક્ટ થતા હોય તેમજ ઘેર ઘેર એસીને લીધે બહાર ગરમ હવા ફેકાતી હોવાથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા એએમસી દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અનુભવાશે. આગામી ત્રણ દિવસના પ્રકોપ બાદ ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા મુજબ, આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, ડીસા. કંડલા અને કોડીનારમાં રગમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસથી 7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા, ઓખા અને વેરાવળમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજને કારણે બફારો અનુભવાશે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, સુરત અને કચ્છમાં હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
આ વર્ષે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે આ સિઝનમાં મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસથી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદ, રાજકોટ, અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાન 41થી 42 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ પારો 2થી 3 ડિગ્રી નીચે જતા ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

