Site icon Revoi.in

ગુજરાતમાં કાલથી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા, બે દિવસ બાદ ફરી ગરમીમાં વધારો થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય તાપમાનથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, આજે કચ્છ અને બનાસકાંઠામાં ગરમીનું મોજુ ફરી વળ્યુ હતું. આજે પણ રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. એટલે કે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. આ સાથે 19મી તારીખે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આજે પણ હીટવેવની આગાહી કરી છે. આજે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. દરમિયાન હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ ત્રણ દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે. ત્યારબાદ બે દિવસ તાપમાનમાં વધારો થશે. રાજકોટમાં આજે ગાઢ ધુમ્મસ અને ઝાકળ છવાયું હતું સવારે 6.30થી 9 વાગ્યા સુધી 100 મીટર દૂરની વસ્તુ પણ ન દેખાય એટલી વિઝીબિલીટી નીચે ઉતરી જવા સાથે ઝાકળવર્ષા થતા એક તરફ આહલાદક હવામાન સાથે વાહન વ્યવહારને પ્રતિકૂળ અસર પહોંચી હતી.  ડબ્બલ ઋતુ તેમજ ધુમ્મસ અને ઝાકળને પગલે તલ, બાજરો, મગફળી, અળદ, મગના પાકને નુકસાન થવાની ભીતિ છે. ઉપલેટા અને ધોરાજીમાં ડબ્બલ ઋતુ જોવા મળી રહી છે. એક બાજુ તડકો તો બીજી બાજુ ઠંડી સાથે ધુમ્મસ જોવા મળી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 18, 19 અને 20 એપ્રિલ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. પછીના બે દિવસ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આજે કચ્છ અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. દરિયાકિનારે હોટ એન્ડ હ્યુમિડની સ્થિતિ રહેશે એટલે કે, ત્યાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. 19મી તારીખે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયાકિનારાના વિસ્તારોમાં 45થી 50 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે જ્યારે મહત્તમ પવન 60 કેએમપીએચ જવાની શક્યતા છે. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે. આગામી 24 કલાક 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાશે અને ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દરિયાકિનારે પણ વધારે પવન ફૂંકાવાની શક્યતા છે.