Site icon Revoi.in

BRICS શિખર સંમેલનમાં સભ્ય દેશો દ્વારા આતંકવાદની સખત શબ્દોમાં નિંદા કરી

Social Share

બ્રાઝીલના રિયો ડી જેનેરો ખાતે ચાલી રહેલા BRICS શિખર સંમેલનના પ્રથમ દિવસે સભ્ય દેશો દ્વારા આતંકવાદની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. આ સમિટમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાની પણ ખાસ નોંધ લઈને તેની નિંદા કરવામાં આવી હતી.

પ્રથમ દિવસની કાર્યવાહી બાદ થયેલી ચર્ચામાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, કોઈપણ પ્રકારનો આતંકવાદ “અપરાધિક અને અનુચિત” છે. રિયોના ઘોષણાપત્ર 34માં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “અમે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ.” BRICS નેતાઓએ સંયુક્ત રીતે પુનરોચ્ચાર કર્યો કે, “આતંકવાદને કોઈપણ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા કે જાતીય સમૂહ સાથે જોડવામાં ન આવે.”

આ સમિટમાં ભાગ લેતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક શાંતિ અને સામૂહિક હિતોને ભવિષ્યનો પાયો ગણાવ્યા હતા. BRICS સમિટના શાંતિ, સુરક્ષા અને ગ્લોબલ ગવર્નન્સ સત્રમાં તેમણે આતંકવાદને માનવતા માટે ખતરો ગણાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, “શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં જ માનવતાનો વિકાસ સંભવ છે.”