Site icon Revoi.in

મુંબઈથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો આતંકી જતિન્દર સિંહ ઝડપાયો

Social Share

મુંબઈઃ પંજાબ આતંકવાદી ષડયંત્ર કેસમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા કથિત આતંકવાદી જતિન્દર સિંહ ઉર્ફે જ્યોતિની એનઆઈએ દ્વારા માનખુર્દમાં મેટ્રો કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, મુંબઈ મેટ્રોની સાઈટ પર કામ કરતા પહેલા તેણે દિલ્હી અને લખનૌની મેટ્રો સાઈટ પર ક્રેન ઓપરેટર તરીકે કામ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આ માહિતી કલંબોલીમાં સ્થિત એમ્પ્લોયર ગિલ એન્ટરપ્રાઈઝ દ્વારા પ્રકાશમાં આવી હતી, જે આહલુવાલિયા કોન્ટ્રાક્ટ્સ (ઈન્ડિયા) લિમિટેડને આપવામાં આવેલી લાઇન-2બી (યલો લાઇન) પર આવેલી માનખુર્દ મેટ્રો સાઇટ પર ક્રેન ચલાવવા માટે કંપનીએ  તેની ભરતી કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર NIAએ આ મામલામાં ગિલ એન્ટરપ્રાઈઝના માલિક અમરજીત સિંહનું નિવેદન નોંધ્યું છે. અમરજીતે દાવો કર્યો હતો કે તેણે માત્ર જતિન્દર સિંઘના કામના અનુભવની તપાસ કરી હતી , તેણે અગાઉ દિલ્હી, લખનૌ અને ઘાટકોપરથી વર્સોવા સુધીના મુંબઈ મેટ્રોના પ્રથમ તબક્કામાં મેટ્રો પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. જેના માટે તેણે જરૂરી તમામ ઓળખ પત્રો આપ્યા હતા અને ક્રેન ઓપરેટર તરીકે કામ કરવાનો અનુભવ પત્ર પણ બતાવ્યો હતો. આરોપી જતિન્દર સિંહની વર્તણૂક વિશે કોઈ ફરિયાદ નથી અને સાઇટ પર કોઈએ તેના વિશે શંકાસ્પદ કંઈપણ જોયું નથી. તે હંમેશા પોતાના કામ પ્રત્યે ગંભીર જણાતો હતો. અમરજીતે વધુમાં દાવો કર્યો હતો કે કલંબોલી ખાતે તેનો પરિચય કરાવનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે આરોપીનો કાકા છે. આરોપી જતિન્દર 27,000 રૂપિયાનો પગાર લેતો હતો.

અમરજીત સિંહ પાસેથી જતિન્દર સિંહના ઘણા આઈડી કાર્ડ અને અનુભવ વિશે માહિતી મળી છે, જે મુજબ તેણે 2016માં દિલ્હી મેટ્રો અને લખનૌ મેટ્રોમાં ક્રેન ઓપરેટર તરીકે કામ કર્યું હતું. તેના બાયોડેટામાં તેણે દાવો કર્યો છે કે તેણે 2008માં મુંબઈ મેટ્રો પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે તેઓ જતિન્દર સિંહના પ્રોફાઈલની તપાસ કરી રહ્યા છે અને અત્યાર સુધી મુંબઈમાં તેનો કોઈ ગુનાહિત ઈતિહાસ મળી આવ્યો નથી. તપાસ એજન્સી એવા લોકોની પણ પૂછપરછ કરી રહી છે જેઓ જતિંદરની નજીક હતા અથવા મેટ્રો કાર શેડમાં તેની સાથે રહેતા હતા.