મ્યાનમારમાં ચાલી રહી છે ભારત વિરુદ્ધ આતંકી ટ્રેનિંગ, ISI ને મળ્યો તુર્કીનો સાથ
નવી દિલ્હી, 20 માર્ચ 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તાજેતરમાં પકડાયેલા વિદેશી નાગરિકોની પૂછપરછ અને તપાસમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. NIA દ્વારા ધરપકડ કરાયેલા 1 અમેરિકન અને 6 યુક્રેનિયન નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે પડોશી દેશ મ્યાનમારના ટ્રેનિંગ કેમ્પોમાં ભારત વિરુદ્ધ આતંકી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ નેટવર્કને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને તુર્કીની એજન્સીઓનું પીઠબળ મળી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓના એકાઉન્ટ્સ પરથી સ્પષ્ટ થયું છે કે મ્યાનમારના ટ્રેનિંગ કેમ્પોમાં ‘અલ્લાહ હૂ અકબર’ ના નારા લાગી રહ્યા છે અને લોકોને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ISI ફરી એકવાર ભારત વિરોધી અભિયાનને વેગ આપી રહી છે. અલગ-અલગ દેશોમાં ડેસ્ક બનાવીને આતંકી મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક એજન્સીઓમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો પણ ચાલુ છે. આ સમગ્ર આતંકી નેટવર્કને તુર્કીની એજન્સીનું ખુલ્લું સમર્થન મળી રહ્યું છે. અગાઉ શ્રીલંકામાં પણ આવી જ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી, જેને ભારતીય એજન્સીઓએ નિષ્ફળ બનાવી હતી.
માહિતી મુજબ, બાંગ્લાદેશ (ઢાકા ડેસ્ક), મ્યાનમાર, નેપાળ, રશિયા અને શ્રીલંકામાં આવા નેટવર્ક કાં તો સક્રિય છે અથવા તૈયાર થઈ રહ્યા છે. ખાસ કરીને ઢાકા ડેસ્ક દ્વારા HuJI અને જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે જોડાયેલા લોકોને ભારત વિરુદ્ધ આતંકી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ આતંકીઓનો મુખ્ય ટાર્ગેટ ભારતનું નોર્થ ઈસ્ટ (ઉત્તર-પૂર્વ) અને પશ્ચિમ બંગાળ છે. સુરક્ષા એજન્સીઓએ પકડાયેલા 7 વિદેશીઓના મોબાઈલ ડેટાને ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલી આપ્યા છે.
મ્યાનમારમાં વધતી અસ્થિરતા વચ્ચે, બાંગ્લાદેશના સૈન્ય મથકો પર વિદેશી નાગરિકોની સતત મુલાકાતોએ ભારતીય સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી છે. ગત 10 થી 18 જાન્યુઆરી વચ્ચે 4 અમેરિકન અને 1 કેનેડિયન સહિત 5 વિદેશી નાગરિકોએ બાંગ્લાદેશ આર્મીના અનેક કેન્ટોનમેન્ટ્સની મુલાકાત લીધી. આમાં કોક્સ બજારના રામુ સ્થિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 10મા ઇન્ફન્ટ્રી ડિવિઝન હેડક્વાર્ટરનો પણ સમાવેશ થાય છે. આ ગ્રુપ અમેરિકાના વર્જિનિયા સ્થિત એક સંગઠન સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે અને બાંગ્લાદેશ આર્મી દ્વારા તેમને કુરમિલોટા ગોલ્ફ ક્લબમાં રોકવામાં આવ્યા હતા, જે ખૂબ જ અસામાન્ય બાબત છે.
ગુપ્તચર સૂત્રો દર્શાવે છે કે મ્યાનમારની સૈન્ય સરકાર અને બાંગ્લાદેશના કેટલાક તત્વો વચ્ચે એક છુપી સાંઠગાંઠ થઈ રહી છે. આના દ્વારા ભારતના મિઝોરમ બોર્ડર પાસે અરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી (ARSA)ને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેથી ચટ્ટોગ્રામ પાસે એક જિહાદી બેઝ તૈયાર કરી શકાય. આ ઉપરાંત, પાકિસ્તાનની ISI સમુદ્રી માર્ગે આ આતંકીઓને હથિયારો સપ્લાય કરવાની યોજના બનાવી રહી હોવાની આશંકા છે, જે આખા વિસ્તારની શાંતિ માટે મોટો ખતરો છે.


