Site icon Revoi.in

બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ બસમાંથી મુસાફરોને ઉતારીને કર્યો ગોળીબાર, 9ના મોત

Social Share

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ હત્યાકાંડ સર્જાયો છે. ઝોબ ક્ષેત્રમાં, લાહોર જતી બસમાં નવ મુસાફરોની હત્યા કરી હતી. બંદૂકધારીઓએ હાઇવે પરથી પસાર થતી બસને અટકાવી હતી. જે બાદ મુસાફરોના ઓળખપત્રો તપાસ્યા હતા તેમજ તેમને બસમાંથી ઉતાર્યા અને પછી ગોળીબાર કર્યો હતો. આ હત્યાકાંડને લઈને અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી.

ઝોબના સહાયક કમિશનર નવીદ આલમે જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ ઝોબ હાઇવે પર ક્વેટાથી લાહોર જતી બસને રોકી હતી. આ પછી, તેઓ બસમાં ચઢ્યા અને મુસાફરોના ઓળખપત્રો તપાસ્યા હતા. આમાં, પંજાબ પ્રાંતના ઓળખપત્ર ધરાવતા નવ મુસાફરોને બસમાંથી ઉતારીને ગોળી મારી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે નવ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા હતા.

આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ પંજાબ પ્રાંતના લોકો અને બલુચિસ્તાનના વિવિધ હાઇવે પર ચાલતી પેસેન્જર બસોને નિશાન બનાવી છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી. પરંતુ બલુચ જૂથો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે તેઓએ અગાઉ પણ પંજાબના લોકોને નિશાન બનાવ્યા છે.

દરમિયાન ક્વેટા, લોરાલાઈ અને મસ્તુંગમાં પણ આતંકવાદીઓએ હુમલા કર્યા હતા, પરંતુ સુરક્ષા દળોએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે દાવો કર્યો હતો કે, સુરક્ષા દળોએ હુમલાઓ અટકાવી દીધા છે. તેમણે કહ્યું કે આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલું બલુચિસ્તાન લાંબા સમયથી હિંસક બળવાખોરીનું કેન્દ્ર રહ્યું છે. બલુચિસ્તાનમાં ગેસ, ખનિજો અને દરિયાકાંઠાની સંપત્તિ જેવા કુદરતી સંસાધનો છે, છતાં તે પાકિસ્તાનનો સૌથી ગરીબ અને સૌથી અવિકસિત વિસ્તાર છે. બલુચિસ્તાન બળવાખોર જૂથો ઘણીવાર સુરક્ષા કર્મચારીઓ, સરકારી પ્રોજેક્ટ્સ અને 60 બિલિયન યુએસ ડોલરના ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સ પર હુમલો કરે છે.

Exit mobile version