- બિલ્ડીંગ જર્જરિત બનતા છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવાયું,
- હોસ્પિટલના બિલ્ડિંગમાં વારંવાર પોપડા ખરી રહ્યા છે,
- જર્જરિત બિલ્ડિંગને ઉતારી લેવા કોંગ્રેસે માગ કરી
ભાવનગરઃ શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસમાં સાતમાળની બિલ્ડીંગ માત્ર 18 વર્ષમાં ભયજનક બની ગઈ છે. જર્જરિત થયેલી હોસ્પિટલની બિલ્ડીંગને છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. આ જર્જરિચ બિલ્ડિંગમાં વારંવાર પોપડા ખરી રહ્યા છે જેને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ હોવા છતાં સાત માળની હોસ્પિટલને ઉતારી લેવામાં આવતી નથી.
ભાવનગરની સિવિલ હોસ્પિટલ એવી સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસમાં સાતમાળની બિલ્ડીંગ માત્ર 18 વર્ષમાં ભયજનક બની ગઈ છે. વર્ષ 2004માં હોસ્પિટલના PIU વિભાગ હસ્તક સ્ટેટ આર.એન.બી દ્વારા 19 કરોડ રૂપિયાના ખર્ચે દર્દીઓને સારવાર માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસ ખાતે 23000 ચોરસ મીટરનું જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર મળી કુલ 9 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવન્યુ હતુ. જેમાં 350 બેડની વ્યવસ્થા હતી અને અનેક વોર્ડના વિભાગો અને ઓપરેશન થિયેટર હતા, આ હોસ્પિટલના કારણે ગીર ગઢડા, ઉના, અમરેલી, રાજુલા, બોટાદ, ગઢડા સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના દર્દીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે વર્ષ 2022માં આ બિલ્ડિંગને કન્ડમ જાહેર કરવામાં આવ્યું હતું. 19 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલી સાત માળની આ હોસ્પિટલને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો હોય તેમ તિરાડો પડવા લાગી હતી. તેમજ વારંવાર જર્જરિત કન્ડમ થયેલી હોસ્પિટલમાંથી પોપડા પડી રહ્યા છે, અહીં આવતા દર્દીઓ અને ત્યાંથી પસાર થતા લોકો ઉપર જીવનું જોખમ ટોળાઇ રહ્યું છે. શરૂઆતમાં સાત માળની બિલ્ડીંગનો છઠ્ઠો અને સાતમો માળ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમયાંતરે વધારે જર્જરિત બની જતા સાતમાળની આખી હોસ્પિટલને બંધ કરી દેવામાં આવી છે. જર્જરિત હોસ્પિટલનો વર્ષ 2021 અને 22માં સરકારી અને ખાનગી એજન્સી દ્વારા સ્ટ્રક્ચરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ આ હોસ્પિટલ અત્યંત જર્જરિત હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે અગાઉ પણ રજૂઆતો થયેલી છે, પરંતુ હોસ્પિટલનું પ્રશાસન અને રાજ્ય સરકાર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે.
આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે, એ આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસે એવું સાબિત થાય છે. આ સાત માળના બિલ્ડીંગને ઘણા સમય પહેલા કન્ડમ કરી દેવામાં આવ્યું છે. છતાં જર્જરિત બિલ્ડીંગને ઉતારતા નથી અને પાડી નથી દેતા, એનું ડિમોલિશન નથી કરતા, આ પ્રશ્ને કોંગ્રેસ આંદોલન કરશે.

