Site icon Revoi.in

ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેની કાર્યવાહી 15મી મેથી શરૂ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે 15 મેથી 23 જૂન દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ પ્રોવિઝન મેરિટ લિસ્ટ 2 જુલાઇએ બહાર પડાશે.

વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલીટેક્નિકમાં ડિપ્લોમાની 737 બેઠકો પર પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડિપ્લોમા પોલીટેક્નિક કોલેજમાં એસીપીડીસીના માધ્યમથી પ્રવેશપ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ ઈચ્છતા હોય તેઓએ 15મી મેથી 23 જૂન સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓએ ધો.10ની માર્કશીટની સાથે માતા-પિતાની આવકનું સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ એસઇબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે એનસીએલ અને આર્થિક રીતે પછાત વર્ગમાં આવતાં હોય તેઓએ ઇડબ્લ્યુએસ કેટેગરીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા હાલમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન દરમિયાન જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવા પણ તાકીદ કરાઈ છે.

જ્યારે સી ટૂ ડી એન્જિનિયરિંગમાં પ્રવેશની પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 પછી આઇટીઆઇ કે અન્ય 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇજનેરીના બીજા વર્ષમાં સીધો પ્રવેશ ફાળવવામાં આવે છે. ગત 13મીથી 30મી એપ્રિલ દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેના માટે પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ડિપ્લોમા પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ ડિપ્લામાંની વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 15 મેથી 23 જૂન દરમિયાન કરી શકાશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 જુલાઇએ જાહેર કરવામાં આવશે. મોક રાઉન્ડ ચોઇસ ફીલિંગ 2 થી 5મી જુલાઇ દરમિયાન કરાશે, મોક રાઉન્ડનું પરિણામ 10 જુલાઇએ જાહેર કરાશે. જ્યારે પ્રથમ રાઉન્ડ ચોઇસ ફેરફાર 10 થી ‌14 જુલાઇ સુધી, પ્રથમ રાઉન્ડ કોલેજ ફાળવણી 17 જુલાઇ સુધી, પ્રવેશ કન્ફર્મ, ફી ભરવાની તા. 17 થી 21 જુલાઇ નક્કી કરવામાં આવી છે

ધોરણ 10 બાદ ડિપ્લોમા સિવાય પણ વિદ્યાર્થીઓ આઇટીઆઇમાં વોકેશનલ કોર્સ કરીને કારકિર્દી બનાવતા હોય છે. આઇટીઆઇ માટે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આઇટીઆઇમાં ટર્નર, ફીટર, ઇલેક્ટ્રિશિયન સહિતના ટ્રેડ કોર્સ કરીને વિદ્યાર્થીઓ કંપનીઓમાં નોકરી મેળવી શકતા હોય છે.