અમદાવાદ, 31 ડિસેમ્બર 2025: રાજ્યમાં ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બેઠકો ખાલી રહેતા પ્રથમવાર સત્રમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી માત્ર જ એક વખત એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની તક આપવામાં આવતી હતી. પરંતુ પ્રથમવારની પ્રક્રિયામાં એન્જિનિયરિંગમાં પૂરતા વિદ્યાર્થીઓ ન મળતા અને અનેક બેઠકો ખાલી રહેતા હવે બીજી વાગ પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે.
એસીપીસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓમાં ખાલી બેઠકો પર બીજીવાર પ્રવેશ પ્રકિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બ્રાન્ચમાં 30થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજીવાર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જેથી જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેવા વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે નહીં જેને ધ્યાનમાં રાખીને ACPC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમવારની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ નથી મળ્યા જેથી મધ્યસત્ર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની 52 સંસ્થાઓની 21 હજાર જગ્યાઓ માટે પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી કોલેજમાં 326, ગ્રાન્ટેડની 76, GTU સેલ્ફ ફાયનાન્સની 11955 અને પ્રાઇવેટ યુનિની 27289 બેઠકો હજીપણ ખાલી છે. જેથી 39 હજાર ખાલી બેઠકો સામે 21 હજાર બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે બ્રાન્ચમાં 30થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજીવાર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. સપ્લીમેન્ટરી પરીક્ષામાં પાસ થયેલ અને બાકી રહેલ વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે. વિદ્યાર્થીઓનું આખુ વર્ષ ના બગડે તે માટે પુનઃ પ્રવેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં ACPC દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.

