1. Home
  2. revoinews
  3. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દ્વિ દશાબ્દી મહોત્સવ 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દ્વિ દશાબ્દી મહોત્સવ 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દ્વિ દશાબ્દી મહોત્સવ 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

0
Social Share
વેરાવળ, 10 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Sanskrit University શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે યુનિવર્સિટીની ૨૦ વર્ષની શૈક્ષણિક અને પ્રાશાસનિક યાત્રાની સ્મૃતિ માટે તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ આયોજિત કરવામાં આવ્યું છે. આ દ્વિ-દશાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ તા. ૧૧-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પાતંજલ યોગભવનમાં યોજાશે.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧, ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ‘ભારતીય જ્ઞાન પરંપરાની અવધારણા અને પારંપરિક સ્રોતો’ વિષયક આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશ-વિદેશના ૧૫૦ જેટલા વિદ્વાનો સંશોધનપત્રો રજૂ કરશે. ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા, શિક્ષણ, સંશોધન, વિજ્ઞાન વગેરેને ઉજાગર કરતી આ સંગોષ્ઠી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. આ સંગોષ્ઠી પ્રારંભ તા. ૧૧-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે થશે.
આ કાર્યક્રમમાં ભારતની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ સંગોષ્ઠીમાં શોધપત્રવાંચન સત્રોની સાથે સાથે વિશેષ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અત્રેની યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એવા ‘પદ્મશ્રી’ પ્રો. વેમ્પટી કુટુંબ શાસ્ત્રી જેવા વિદ્વાનોના વિચારોનો લાભ મળશે. આ સંગોષ્ઠીમાં પ્રસ્તુત થયેલા શોધપત્રોની સમીક્ષા કરીને પુસ્તકના રૂપમાં પણ પ્રકાશિત કરવામાં આવશે. તેના દ્વારા સંગોષ્ઠીમાં પ્રસ્તુત થયેલા વિચારોને સમાજમાં પ્રસારિત કરી શકાશે. રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ સંગોષ્ઠીને શોભાવવામાં આવશે.

ભૂતપૂર્વ કુલપતિઓનું સન્માન

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે કુલપતિસપર્યા કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટીના પૂર્વકુલપતિઓના સ્વાગત-સન્માન માટે કુલપતિસપર્યા કાર્યક્રમ તા.૧૧-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી પરિસર ખાતે યોજાશે. આ કુલપતિસપર્યા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, વિશિષ્ટ-અતિથિ તરીકે અત્રેની યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ ડૉ.પંકજ એલ. જાની, ‘પદ્મશ્રી’ પ્રો.વેમ્પટિ કુટુમ્બ શાસ્ત્રી, પ્રો.અર્કનાથ ચૌધરી અને પ્રો.ગોપબંધુ મિશ્ર ઉપસ્થિત રહેશે. અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા આમંત્રકરૂપે ઉપસ્થિત રહેશે તેમજ કુલપતિસપર્યા કાર્યક્રમના સંયોજક તરીકે પ્રભારી શોધનિયામક ડૉ.પંકજકુમાર રાવલ અને શિવતત્ત્વ અનુસાન પીઠના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.મંગલવર્ધનદાસ સાધુ કામગીરી કરશે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન

યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન તા.૧૧-૦૨-૨૦૨૬ના રોજ બપોરે ૩:૦૦ કલાકે યુનિવર્સિટી પરિસર ખાતે યોજાશે. આ પૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં સંરક્ષક અને માર્ગદર્શક તરીકે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, અધ્યક્ષ તરીકે ઉડીયા યુનિવર્સિટી, પુરી, ઓડીસાના કુલપતિ પ્રો.શત્રુઘ્ન પાણિગ્રાહી, વિશિષ્ટ-અતિથિ તરીકે આઈ.આઈ.ટી. ખડગપુરના ડાયરેક્ટર પ્રો.વીરેન્દ્ર તિવારી ઉપસ્થિત રહેશે. અત્રેની યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા આમંત્રકરૂપે, યુનિવર્સિટી સંચાલિત કોલેજના પ્રધાનાચાર્ય ડૉ.નરેન્દ્રકુમાર પંડ્યા અને અનુસ્નાતક વિભાગના નિદેશક પ્રો.વિનોદ કુમાર ઝા આયોજક તરીકે ઉપસ્થિત રહેશે તેમજ પૂર્વછાત્ર સંમેલનના સંયોજક તરીકે યુનિવર્સિટીના વેદવિભાગના અધ્યક્ષ ડૉ.વિપુલકુમાર જાદવ અને પુરાણના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.કિરણકુમાર ડામોર કામગીરી કરશે.

સંસ્કૃત નાટ્ય મહોત્સવ

૧૨.૦૨.૨૦૨૬ના રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના સહકારથી સંસ્કૃત નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ નાટ્ય મહોત્સવમાં સંસ્કૃત માધ્યમથી પ્રાચીન અને આધુનિક વિષયોને વણી લેતા નાટકોનું મંચન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ અને મુખ્ય અતિથિ તરીકે વારાણસીના પ્રો. સદાશિવ કુમાર દ્વિવેદી ઉપસ્થિત રહેશે. આ તકે યુનિવર્સિટીના છાત્રો દ્વારા વીસ વર્ષની યાત્રા દર્શાવતો પૂર્વરંગ પ્રસ્તુત કરવામાં આવશે. ત્યારબાદ, સંસ્કૃત નાટકોનું મંચન કરવામાં આવશે. સમગ્ર નાટ્ય મહોત્સવમાં વિવિધ પુરસ્કારો પણ આપવામાં આવશે.

સંસ્કૃતશ્રીઃ સન્માન

સંસ્કૃત સિવાયના ક્ષેત્રથી જોડાયેલા લોકો દ્વારા સંસ્કૃતક્ષેત્રે આપેલા યોગદાન માટે ૦૫ મહાનુભાવોનું સંસ્કૃતશ્રીઃ સન્માન એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્કૃતશ્રીઃ સન્માન કાર્યક્રમ તા.૧૨-૦૨- ૨૦૨૬ના રોજ બપોરે ૦૩.૩૦ કલાકે યુનિવર્સિટી પરિસર ખાતે યોજાશે. આ કુલપતિસપર્યા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, સંસ્કૃતશ્રીઃ સન્માનથી સમ્માનિત થનાર (૧) ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડૉ.ભાગ્યેશ ઝા, (૨) NAAC, બેંગલોરના પૂર્વ અધ્યક્ષ પ્રો.એસ.સી.શર્મા, (૩) સુલ્તાનપુર, ઉ.પ્ર.ના પોલીસ અધિક્ષક IPS બૃજેશ કુમાર મિશ્ર, (૪) ભૌતિક પ્રયોગશાળા, ભારત સરકારના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ.જયશંકર ત્રિવેદી અને (૫) ઊનાના પ્રસિદ્ધ આયુર્વેદ નિષ્ણાત પાંચાભાઈ દમણીયા ઉપસ્થિત રહશે.

શાસ્ત્રાર્થ વિચાર

13-02-2026ના રોજ સવારે ૧૦:૦૦ કલાકેથી શાસ્ત્રાર્થ વિચાર કાર્યક્રમનું આયોજન વિશ્વવિદ્યાલયના પાતંજલ યોગભવનમાં કરવામાં આવેલું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ રૂપે વિશ્વવિદ્યાલયના પૂર્વકુલપતિ પ્રો. અર્કનાથ ચૌધરી, વિશિષ્ટાતિથિના રૂપમાં પ્રો. હરેકૃષ્ણ મહાપાત્ર તથા વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા અને વિશ્વવિદ્યાલયના પ્રત્યેક પ્રધ્યાપકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલયના દરેક વિભાગના વિદ્યાર્થીઓ બે-બેના સમૂહમાં શાસ્ત્રાર્થપ્રસ્તુતિ દ્વારા આ કાર્યક્રમની શોભા વધારશે.

કવિ સંમેલન

દ્વિ દશાબ્દી મહોત્સવ પ્રસંગે તા. ૧૩-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ કલાકેથી પાતંજલ યોગભવનમાં કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જ્ઞાન પરંપરા, પ્રભાસ તીર્થ, આત્મનિર્ભર ભારત જેવા વિષયોને આધારે ભારતભરમાંથી આવનાર ૧૯ જેટલા સંસ્કૃત ભાષાના કવિઓ પોતાની સ્વરચિત કાવ્ય રચના પ્રસ્તુત કરશે.

વાર્ષિક ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ

૧૩-૦૨-૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ કલાકેથી વાર્ષિક મહોત્સવનો પ્રારંભ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ‘પાતંજલ’ યોગભવનમાં યોજાશે. આ વાર્ષિક કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પ્રો.સુકાંત કુમાર સેનાપતિ, કુલપતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ તથા વિશિષ્ટ અતિથિ તરીકે પ્રો. ભરતભાઈ રામાનુજ, કુલપતિ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર તેમજ મુખ્ય અતિથિ તરીકે પ્રો. એચ.આર. કાતરીયા, કુલપતિ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા તથા વિશેષ અતિથિ તરીકે ડૉ.આનંદકુમાર ત્રિપાઠી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર તથા આમંત્રક તરીકે ડૉ. મહેશકુમાર મેતરા, કુલસચિવ, શ્રી સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી, વેરાવળની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થશે.
આ કાર્યક્રમમાં શૈક્ષણિક વિભાગીય અહેવાલ તથા બિન શૈક્ષણિક વિભાગનો અહેવાલ રજૂ કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ જેમ કે NET, GSET, રાજ્ય સ્તરીય, અખિલ ભારતીય સ્પર્ધામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
આ સાથે જ ગરબા, એક પાત્રીય નાટક, કથક નૃત્ય, ભરત નાટ્યમ, વૃંદગીત, યોગ પ્રદર્શન, જીવન કથન વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code