Site icon Revoi.in

ગાંધીનગરના કોબા-એરપોર્ટ હાઈવે પર કેનાલનો બ્રિજ 40 મીટર પહોળો કરાશે

Social Share

ગાંધીનગરઃ શહેરના કોબાથી ભાટ સર્કલ થઈને અમદાવાદ એરપોર્ટ જતાં રોડને આઈકોનિક બનાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટ રોડ પર વીવીઆઇપી મૂવમેન્ટને ધ્યાને લઇને ટ્રાફિક મેનેજમેન્ટ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ હાલ ભાટ સર્કલ પર કેબલ સ્ટેડ બ્રિજ બની રહ્યો છે. હવે કોબાથી ભાટ સર્કલ વચ્ચે આવતાં નર્મદા કેનાલ પરના બ્રિજની પહોળાઇ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાટનગર ગણાતા ગાંધીનગરમાં વીવીઆઈપીની આવન-જાવન વધુ રહેતી હોય છે. અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ ઉતર્યા બાદ વીવીઆઈપીઓ ભાટ સર્કલ, કોબા થઈને ગાંધીનગર આવતા હોય છે. ત્યારે કોબાથી એરપોર્ટ સુધીનો રોડ આઈકોનિક બનાવવામાં આવ્યો છે. હાલ ભાટ સર્કલ પર કેબલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે કોબા નજીક નર્મદા કેનાલ પરનો બ્રિજને 40 મીટર પહોળો કરાશે, હાલ આ બ્રિજ 18 મીટર પહોળો હોવાથી અને તે સિવાયનો હાઇવે સિક્સ લેન હોવાથી બ્રિજની પહોળાઇ વધારીને 40 મીટરની કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટે સરકાર દ્વારા 48 કરોડ રૂપિયાનો ખર્ચ પણ મંજૂર કરી દેવામાં આવ્યો છે. ભાટ સર્કલ પરનો કેબલ સ્ટેડ ઓવર બ્રિજ 22 મીટર પહોળો બની રહ્યો છે. ઉપરાંત બન્ને બાજુ 9 મીટર પહોળા સર્વિસ રોડ મળીને કુલ 40 મીટર પહોળાઇ થાય છે. જ્યારે આ હાઇવે પર જ નર્મદા કેનાલ પરનો બ્રિજ 18 મીટર પહોળો હોવાથી અહીં ટ્રાફિક સમસ્યા સર્જાય છે. હાઇવે પર પુરઝડપે દોડતા વાહનો પુલ પર આવીને ધીમા પડી જાય છે.

આ કેનાલ બ્રિજ પર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે. જેના પગલે કરાયેલા આયોજન મુજબ કેનાલ પરના બ્રિજને વધુ 22 મીટર પહોળો કરી કુલ 40 મીટર પહોળાઇનો બનાવવામાં આવશે. આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા ગાંધીનગર એરપોર્ટ રોડ હર્ડલ લેસ એટલે કે કોઇપણ પ્રકારની અડચણ વિના એરપોર્ટથી ગાંધીનગર પહોંચી શકાય તે પ્રમાણેનું આયોજન થઇ રહ્યું છે. પાટનગર યોજના વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છ મહિનાના ટૂંકા સમયમાં જ નવા બ્રિજનું બાંધકામ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 779 કરોડના ખર્ચે રાજ્યના 32 રોડ નેટવર્કના કામો માટે વિવિધ બ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં આ બ્રિજનો સમાવેશ થાય છે. આ માટે 48 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.