
મોરબી દૂર્ઘટનાનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો
અમદાવાદઃ ગુજરાતના મોરબી જિલ્લામાં કેબલ બ્રિજ તૂટી પડવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ન્યાયિક કમિશનની રચના કરવા માટે તાત્કાલિક નિર્દેશની માંગ કરવામાં આવી છે. આ અરજી ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં બે દિવસ પહેલા ઝુલતો પુલ તુડતા 100થી વધારે લોકોના મોત થયાં છે. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં 9 લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના રાજકીય મહાનુભાવો ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પીડિતોની મુલાકાત લીધી હતી. બીજી તરફ દુર્ઘટનામાં મૃત્યુ પામનારને કેન્દ્ર અને રાજ્ય સરકારે આર્થિક મદદની જાહેરાત કરી છે.
સમગ્ર મામલે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, એટલું જ નહીં અરજદારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસની આગેવાનીમાં સમગ્ર પ્રકરણની તપાસ કરાવવાની માંગણી કરી હતી.