
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. અને દિવાળી સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓમા ટીમ ફરીવાર 16મી ઓક્ટોબરને રવિવારે ગુજરાતની મુલાતકાતે આવી રહ્યા છે. કામગીરીની સમીક્ષા કર્યા બાદ ચૂંટણીની તારીખ નક્કી કરીને દિલ્હીથી ચૂંટણીની વિધિવત જાહેરાત કરશે. એવુ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય ચૂંટણીપંચ 16 ઓક્ટોબરથી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ચૂંટણીપંચ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે તેમજ ગુજરાતમાં 4 ઝોનમાં બેઠકો પણ આયોજિત કરશે. પંચ દ્વારા આશરે એક અઠવાડિયા સુધી વિવિધ પરિસ્થિતિઓની સમીક્ષા કરશે અને ત્યારબાદ દિવાળી આસપાસ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે
કેન્દ્રીય ચૂંટણીપંચની મુલાકાત બાદ ગુજરાતમાં 2 તબક્કામાં કે દર વખતની જેમ એક તબક્કામાં ચૂંટણી યોજવી તે અંગેનો નિર્ણય લેવાશે. હાલ તો ચૂંટણી ક્યારે અને કઈ તારીખે યોજાશે તેની જુદી જુદી અટકળો ચાલી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અગાઉ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું તે દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી અને મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાએ પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે. રાજ્યના 30 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરાઈ હતી જેમાં વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી વર્ષ 2005 બેચના IAS ઓફિસર રંજીતકુમારને જવાબદારી સોંપાઈ છે. જેઓ હાલ ગાંધીનગરમાં સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ વિભાગના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.