
કેન્દ્ર સરકાર 6 માસમાં મોડેલ એકટ લાવીને જેલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશેઃ અમિત શાહ
અમદાવાદઃ ગુજરાતમાં યોજાઈ રહેલી ૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-2022’નો ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, જેલ પ્રશાસનએ સમાજ વ્યવસ્થા જાળવવાનું મહત્વનું અંગ છે, ત્યારે જેલ સુધારણા અને તેના દ્વારા કેદીઓનું પુનર્વસન થાય તે પણ એટલું જ જરૂરી છે.
વર્તમાન કેન્દ્ર સરકારે જેલ સુધારણાને અગ્રિમતા આપી છે એમ તેમણે ઉમેર્યુ હતું. આ ત્રિ-દિવસીય 6ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-2022’માં 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1031 જેલ અધિકારીઓ-કર્મચારીઓ વિવિધ 18 સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.
છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અગાઉ અમલી એવા જેલ મેન્યુઅલના બદલે વર્ષ 2016માં મોડેલ જેલ મેન્યુઅલ કાર્યાન્વિત કર્યું છે. જો કે દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેને અપનાવ્યું છે. દેશના તમામ રાજ્યો આ મોડેલ જેલ મેન્યુઅલ અપનાવે તો સુધારાત્મક બાબતો પણ સમાવાયેલા આ મેન્યુઅલથી કેદીઓના પુનર્વસનનો પરિણામલક્ષી અમલ થઈ શકશે. કેન્દ્ર સરકાર આગામી 6 માસમાં મોડેલ એકટ લાવશે અને તેના પગલે દેશની તમામ જેલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે એમ તેમણે કહ્યું હતું.
જેલો પ્રત્યે અલગ દ્રષ્ટિકોણ અપનાવવાના અભિગમનો ઉલ્લેખ કરી અમિત શાહે કહ્યું હતું કે, દરેક રાજ્ય અને જિલ્લામાં કોર્ટ દ્વારા કેસોના નિકાલ માટે વીડિયો કોન્ફરન્સની સુવિધા હોવી જોઈએ એ સમયની માંગ છે. સાથે સાથે નારકોટિકસ તેમજ કટ્ટર ગુનાઈત માનસિકતા ધરાવતા કેદીઓને અલગ રાખવા જોઈએ. જેલમાં વધુ પ્રમાણમાં કેદીઓ હોય તે સ્થિતિ યોગ્ય નથી ત્યારે જેલ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ તેમ એમણે જણાવ્યું હતું.
આ મીટને બિરદાવતા અમિત શાહે કહ્યું હતું કે, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એકમ એ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે મહત્વનું એકમ છે ત્યારે આ એકમ દ્વારા યોજાયેલી મીટ જેલોના અધિકારી-કર્મચારીઓની સકારાત્મક પ્રતિસ્પર્ધા અને ખેલ ભાવના વિકસાવવાનું માધ્યમ બનશે. જેલનો દરેક કેદી જન્મથી ગુનેગાર હોતો નથી, પરંતુ સંજોગોવસાત આચરેલા ગુનાને કારણે જેલ ભોગવતો હોય છે. તેમની સાથેનો સદભાવનાપૂર્ણ વ્યવહાર પણ જરૂરી છે.
મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય પોલીસ દળના જેલ વિભાગ અને ભારત સરકારના બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનનો એક નવો યુગ શરૂ થયો છે. એના જ પરિણામે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને છેલ્લા ૮ વર્ષથી ગુડ ગવર્નન્સનો અનુભવ કરી રહ્યો છે તેમ એમણે જણાવ્યું હતું.