વઢવાણ : દેશમાં કોલસાની અછત ચાલી રહી છે, બીજીબાજુ ગેસમાં પણ તોતિંગ ભાવ વધારાને કારણે ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે. જેમાં વઢવાણ વિસ્તારમાં આવેલો સિરામીક ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. થાન વિસ્તારમાં ખાસ્સું ઉત્પાદન થઇ રહ્યું છે, પણ તાજેતરમાં ત્રીજો રૂ.11.34નો ભાવવધારો ગેસમાં આવી જતા હવે ઉદ્યોગ ઉપર કરોડોનો બોજો આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2005માં ગુજરાત સરકારે ઉદ્યોગોને ગેસ આપીને તે તરફ વાળ્યા હતા. તે વખતે એક કિલોનો ભાવ રૂ.13 હતો. એ પછી એક પછી એક અને સતત ભાવવધારો થતો રહ્યો છે. 2020માં 26.08નો ભાવ હતો જ્યારે 2021માં 4.02નો વધારો કરીને રૂ. 35.14ના ભાવ કરાયા. એ પછી રૂ. 39.70ના ભાવ થયા. કોરોના કાળમાં રૂ.13નો વધારો થયો હતો. તાજેતરમાં ફરી ભાવવધારો કરવામાં આવતા રૂ. 50 ઉપરના ભાવ થઇ ગયા છે.
સિરામિક ઉદ્યોગ થાનમાં 1913થી સ્થપાયેલો છે. સૌપ્રથમ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નાનું એકમ હતુ. એ પછી 300 કરતા વધારે એકમો વિશ્વકક્ષાએ સિરામિક ઉત્પાદનો બનાવીને વેંચી રહ્યા છે. ઉદ્યોગે આગવી ઓળખ ઉભી કરેલી છે એમાં હવે ભાવવધારો દઝાડી રહ્યો છે. થાનમાં આ ઉદ્યોગ 2.40 લાખ કિલો ગેસનો વપરાશ કરે છે. એ કારણે ગેસના ભાવવધવાને લીધે ઉદ્યોગની પડતર કિંમત ખૂબ ઉંચે ચાલી ગઇ છે.
ઉદ્યોગ પર ખૂબ બોજ આવી પડતા સિરામિક એસોસીએશને તાકિદની બેઠક બોલાવીને આ ભાવવધારાથી તાલુકાના 300 થી વધારે એકમો બંધ થઇ જશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. આ ઉદ્યોગ ઉપર 30 હજાર જેટલા મજૂરો નભે છે અને સુરેન્દ્રનગરને ટેક્સટાઇલ હબ બનાવવાની વાતો પણ આવા ભાવવધારાથી હવામાં રહી જાય તેવો ઘાટ સર્જાયો છે.