નવી દિલ્હી, 15 ઓગસ્ટ 2026: Celebration of the 80th Independence Day 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પર એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રથમ વખત રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ સંસ્કરણ વગાડવામાં આવ્યું હતું.
રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ બાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ વગાડવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
21 તોપોની સલામી, આકાશમાંથી પુષ્પવર્ષા
જ્યારે વડાપ્રધાન મોદીએ 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો લહેરાવ્યો, ત્યારે 1721 ફિલ્ડ બેટરી (સેરિમોનિયલ) દ્વારા સ્વદેશી 105mm લાઇટ ફિલ્ડ ગન્સનો ઉપયોગ કરીને 21 તોપોની સલામી આપવામાં આવી. ત્યારબાદ, આર્મી બેન્ડ દ્વારા ‘વંદે માતરમ્’ની ધૂન વગાડવામાં આવી.
દરમિયાન, ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટરોએ લાલ કિલ્લા પર ફૂલોની પાંખડીઓ વરસાવી. આમાંથી એક હેલિકોપ્ટર ત્રિરંગો લહેરાવી રહ્યું હતું, જ્યારે બીજા હેલિકોપ્ટર પર ‘વંદે માતરમ્’ લખેલો ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આઝાદી પછી પહેલીવાર લાલ કિલ્લા પર ‘વંદે માતરમ્’
રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઝાદી પછી આ પ્રથમ વખત છે જ્યારે લાલ કિલ્લા પર ‘વંદે માતરમ્’નું સંપૂર્ણ સંસ્કરણ વગાડવામાં આવ્યું છે.
રાષ્ટ્રગીતની સમકક્ષ કાનૂની દરજ્જો આપવામાં આવ્યો
તાજેતરમાં, ‘વંદે માતરમ્’ના સંપૂર્ણ સંસ્કરણને રાષ્ટ્રગીતની સમકક્ષ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનની શરૂઆતમાં અને સમાપન વખતે પણ તેને વગાડવામાં આવ્યું હતું.
વંદે માતરમ્નું અપમાન કરવું એ ગુનો
આ ઐતિહાસિક ફેરફાર ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) વિધેયક, 2026’ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ અમલમાં આવ્યો છે. નવા કાયદા હેઠળ, ‘વંદે માતરમ્’ ગાવામાં જાણીજોઈને અવરોધ ઊભો કરવા કે તેને અટકાવવા બદલ દંડ, ત્રણ વર્ષ સુધીની કેદ અથવા બંને સજા થઈ શકે છે.

