Homeગુજરાતીદેશ-વિદેશદેશ હવે નક્સલવાદથી મુક્ત, પરંતુ હવે દિમાગી નક્સલીઓથી રહેવું પડશે સાવધ: નરેન્દ્ર...

દેશ હવે નક્સલવાદથી મુક્ત, પરંતુ હવે દિમાગી નક્સલીઓથી રહેવું પડશે સાવધ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 15 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા માઓવાદ અને નક્સલવાદના મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાને જણાવ્યું કે દેશ હવે નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ ચૂક્યો છે અને જે વિસ્તારો ક્યારેક નક્સલવાદના ગઢ ગણાતા હતા, ત્યાં આજે વિકાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે. આ સાથે જ તેમણે દેશવાસીઓને તે કટ્ટર વિચારસરણી પ્રત્યે પણ સચેત કર્યા છે, જે નક્સલવાદ ખતમ થયા બાદ પણ કેટલાક લોકોના મગજમાં જીવંત છે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “માઓવાદ અને નક્સલવાદે દેશના અનેક પરિવારોને બરબાદ કર્યા છે. ચાર દાયકા સુધી તેણે દેશની મોટી વસ્તીને બંદૂકની નોડ પર દબાવીને રાખી હતી. દેશના નાગરિકોની રક્ષા માટે આપણા સાડા ત્રણ હજાર સુરક્ષા દળો અને પોલીસ જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. નક્સલવાદે દેશની ધરતીને લોહીથી લથપથ કરી દીધી હતી. વર્ષ 2014માં જ્યારે તમે અમને સેવા કરવાની તક આપી, ત્યારે જ અમે સંકલ્પ કર્યો હતો કે આપણે દેશમાંથી નક્સલવાદને નેસ્તનાબૂદ કરીશું. આજે આપણે તેને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. જ્યાં ક્યારેક નક્સલીઓની ગોળીઓ ગુંજતી હતી અને ધરતી લોહીથી રંગાતી હતી, ત્યાં આજે વિશ્વાસ, પ્રયાસ અને વિકાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે.”

  • હથિયારવાળા નક્સલીઓ ગયા, પરંતુ મગજવાળા નક્સલીઓ દેશમાં હાજર

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, “દેશની સત્તામાં વર્ષો સુધી માઓવાદી વિચારસરણી ધરાવતા લોકો જગ્યા બનાવીને બેઠા હતા. આ લોકોએ સરકારોની નીતિઓને પણ પ્રભાવિત કરી હતી. જોકે, હવે આપણને નક્સલવાદીઓથી દેશને મુક્ત કરાવવામાં મોટી સફળતા મળી છે. હથિયારવાળા નક્સલીઓ તો વિદાય લઈ ચૂક્યા છે, પરંતુ મગજવાળા નક્સલીઓ હજુ પણ દેશમાં સક્રિય છે. આ લોકો દેશને ફરીથી હિંસામાં ઘસડી જવાની કોશિશમાં લાગેલા છે. આપણે આ ‘દિમાગી નક્સલીઓ’ને ઓળખવા પડશે અને તેમને અલગ-થલગ કરવા પડશે.”

  • સુરક્ષાને લઈને મોટું એલાન: દેશમાં રચાશે સિવિલ ડિફેન્સનું વિશાળ નેટવર્ક

દેશની સુરક્ષા અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે એક સુરક્ષિત ભારતનું નિર્માણ કરવું આપણી પ્રાથમિક જવાબદારી છે. સુરક્ષા ભલે સીમાની અંદર હોય કે બહાર, આપણે દરેક પડકાર માટે તૈયાર છીએ. હવે યુદ્ધ માત્ર સરહદો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ આજકાલ ઓઈલ રિફાઈનરીઓ અને બેન્કિંગ ક્ષેત્રો પર પણ હુમલા થઈ રહ્યા છે. આપણે આ ક્ષેત્રોની પણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે.

દેશની સુરક્ષામાં નાગરિકોની ભાગીદારી પર ભાર મૂકતા વડાપ્રધાને લાલ કિલ્લા પરથી એલાન કર્યું કે, આગામી સમયમાં દેશભરમાં ‘સિવિલ ડિફેન્સ’ (નાગરિક સુરક્ષા)નું એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવશે, જે આધુનિક યુગના તમામ પડકારોનો સામનો કરશે. આ અભિયાનમાં દેશના યુવાનોની મોટી ભાગીદારી રહેશે.

સંબંધિત લેખો

Most Popular