Site icon Revoi.in

અમદાવાદમાં જાહેર શૌચાલય કેટલા અને ક્યા સ્થળે છે, એનો કમિટીએ રિપોર્ટ માગ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા જાહેર શૌચાલયો બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરે તેની દુકાનને માટે નડતરરૂપ જાહેર શૌચાલયને તોડી નાખ્યાં બાદ વિવાદ ઊભો થયો છે. જોકે એએમસીની હેલ્થ કમિટીને ખબર નથી કે શહેરમાં જાહેર શૌચાલયો કેટલા આવેલા છે. ક્યા સ્થળે આવેલા છે. આથી મ્યુનિની હેલ્થ કમિટીએ અધિકારીઓને નિર્દેશ આપીને શહેરમાં કેટલા શૌચાલયો છે, ક્યા વિસ્તારમાં કેટલા આવેલા છે. તેની સ્થિતિ કેવી છે. તેનો રિપોર્ટ માગ્યો છે.

અમદાવાદ શહેરમાં શાસ્ત્રીનગરમાં એક જાહેર શૌચાલયને ભાજપના કાર્યકરની દૂકાનને નડતરરૂપ હોવાને લીધે તેને તોડી નાંખ્યું હતુ. આ મુદ્દે વિવાદ ઊભો થો હતો. પણ કાર્યકરે ભાજપના નેતાનો ફોન કરાવતા મ્યુનિ. દ્વારા તેની સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહતા. શાસ્ત્રીનગર સરદાર આવાસ પાસે બનાવેલાં જાહેર શૌચાલયને શ્રીજી ચાયવાલેના દુકાન માલિક અને ભાજપના કાર્યકરે તોડી પાડતાં, તેને બાંધી આપવાની ખાતરી લઇ, તેની સામે ફોજદારી પગલાં લેવાનું તંત્રએ ટાળ્યું હતું.

આ વિવાદ બાદ મ્યુનિની હેલ્થ કમીટીએ શહેરના જાહેર સ્થળો પર કેટલાં શૌચાલય હતાં અને હાલમાં કેટલાં અસ્તિત્વ ધરાવે છે? તેનો વિગતવાર અહેવાલ આગામી કમિટીમાં રજૂ કરવા તંત્રને નિર્દેશ આપ્યો છે. જેથી અગાઉ કોઇ વ્યક્તિએ આ રીતે બારોબાર જાહેર શૌચાલય તોડી પાડ્યું તો નથીને તે જાણી શકાય. મ્યુનિ. દ્વારા શાસ્ત્રીગરના કેસમાં જવાબદાર પાસે માત્ર નવું જાહેર શૌચાલય બાંધી આપવાની ખાતરી લઇ, કાયદાકીય પગલાં લેવાનું ટાળ્યું હતું. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ભાજપના જ મોટા નેતાના ફોન બાદ આ દુકાન માલિક સામે પોલીસ ફરિયાદ અને સીલિંગ કામગીરી તંત્રે અટકાવી દીધી હતી.