Site icon Revoi.in

સુરતમાં રૂપિયા 32 કરોડની હીરાની ચોરીના કેસમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો

Social Share

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ કંપનીમાંથી 18 ઓગસ્ટ, 2025ના રોજ 32 કરોડની કિમતના હીરા અને રોકડ રકમની ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો ભારેખમ લોખંડની તિજોરીને કટરથી કાપીને કરોડો રૂપિયાના હીરા લઈને પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસ, એફએસએલ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તસ્કરો સીસીટીવી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા. પોલીસે ફરિયાદીની પૂછતાછ કરતા અને ચોરીના બનાવની ઓપરેન્ડી જોતા કેટલીક શંકા ઊભી થઈ હતી. કારણ કે તસ્કરો દ્વારા દરવાજા અને રૂમના તાળાં તોડવામાં આવ્યા નહતા. તેમજ કંપનીના માલિક ફરિયાદીએ 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કરાવ્યો હતો. એટલે પોલીસે તેની ઢબની પૂછતાછ કરતા કરોડો રૂપિયાના હીરાની ચોરી જ નકલી હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ કંપનીનો માલિક ડીકે મારવાડી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સમગ્ર ચોરીનું ષડયંત્ર રચવાનું કારણ 25 કરોડનું દેવું થઈ ગયું હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. આ સાથે જ 20 કરોડનો વીમો પકવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. નકલી ચોરી હોવાનો ખુલાસો થયા બાદ ફરિયાદી એવા ડીકે મારવાડીની અટકાયત કરી લેવાઈ હતી.

આ બનાવની વિગતો એવી છે કે, ગત 17 ઓગસ્ટ એટલે કે રવિવારની રાત્રે  ડી.કે.સન્સ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરીનો બનાવ બન્યો હતો. આ કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ ચોરીનું તરકટ રચ્યું હતું. આમ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. દેવેન્દ્રકુમાર ચૌધરી ઉર્ફે ડી.કે.મારવાડીએ દેવું વધી જતાં વીમો પકવવા ચોરીનું તરકટ રચ્યું હતું. તેણે 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો અને કંપનીમાં ઘૂસવા ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું. આ બે મુખ્ય બાબતના કારણે પોલીસને શંકા ગઇ હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ફરિયાદી દેવેન્દ્રકુમાર ચૌધરીએ ચોરીના નાટકમાં તેના બંને દીકરા પિયુષ અને ઇશાન ચૌધરી તથા ડ્રાઇવરને પણ સામેલ કર્યાં હતા. ચોરીની ઘટના બાદ એક પુત્ર હાજર હતો. જ્યારે બીજો પુત્ર જોવા પણ મળ્યો ન હતો. જે પાંચ લોકો રિક્ષામાં ચોરી કરવા આવ્યા હતા, તેમાં પુત્ર પણ સીસીટીવીમાં જોવા મળ્યો હતો. આ કેસમાં કોઈપણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી. ચોરી માટેનું એક તરકટ રચવામાં આવ્યું હતું. તેના માટે પાંચ લોકોને આ ચોરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચોરી માટે દસ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચોરીનું નાટક કરવા આવ્યા ત્યારે તેમને પાંચ લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા છે. જ્યારે બીજા પાંચ લાખ હજુ આપવાના બાકી હતા. કાપોદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે નકલી ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.

 

Exit mobile version