Site icon Revoi.in

થરામાં નેશનલ હાઈવે પરના બન્ને સાઈડના સર્વિસ રોડની જર્જિરિત હાલત, લોકો પરેશાન

Social Share

પાલનપુરઃ નવનિર્મિત ઓગડ તાલુકાના મુખ્ય વેપારી મથક થરામાં નેશનલ હાઇવે ઉપર આવેલા બન્ને બાજુના સર્વિસ રોડ વર્ષોથી ખાડા અને કીચડના કારણે બિસ્માર હાલતમાં છે. હાલમાં વરસાદ ન હોવા છતાં રોડ પર કાદવ ફેલાયેલો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક વખત રજુઆતો કર્યા છતાં નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા પ્રજામાં ભારે અસંતોષ ફેલાયો છે. હાઈવેની બન્ને બાજુનો સર્વિસ રોડ જર્જરિત બની ગયો છે. સર્વિસ રોડ પર પડેલા મોટા ખાડાઓમાં પાણી ભરાયેલા છે. તેમજ કાદવ-કીચડ છે, જેથી સર્વિસ રોડને મરામત કરવાની માગ ઊઠી છે.

થરાના ગ્રામજનોએ અનેક રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં ન લેવાતા આખરે થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશ ઠાકોરે હાઈવે ઓથોરિટીને પત્ર દ્વારા ચક્કાજામ કરવાની ચીમકી આપ્યા બાદ અધિકારીઓએ કામ શરૂ કરવાની ખાતરી આપી હતી. પરંતુ  15 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સર્વિસ રોડની હાલત યથાવત છે. નીચલા સ્તરથી ઉપર સુધી ભાજપ સરકાર હોવા છતાં જાહેર હિતના કામો સમયસર કરાતા નથી એવી નારાજગી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ  હાઈવેના સર્વિસ રોડ પરના મરામતના કામો સમયસર નહિ થાય તો ગ્રામજનો આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ સર્વિસ રોડના પ્રશ્ને કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરીને પણ ઈ-મેલ દ્વારા વિગતવાર રજૂઆત મોકલવામાં આવી છે. આ મુદ્દે ચીફ ઓફિસર બાબુભાઈ જોશીએ જણાવ્યું કે, પાલનપુર તથા નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ સાથે વાત કરી પ્રજાની રજૂઆત પહોંચાડી છે અને તાત્કાલિક કામ શરૂ કરવા જણાવાયું છે

Exit mobile version