Site icon Revoi.in

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 30 કલાકે કાબુમાં આવી

Social Share

સુરતઃ શહેરના રિંગરોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આગ બાદ બીજા દિવસે એટલે કે, ગઈકાલે સવારે 7 વાગ્યાના અરસામાં માર્કેટના ચોથા માળે ફરી આગ ભભૂકી ઊઠી હતી, આ આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. સતત પાણીનો મારો ચલાવ્યા બાદ 30 કલાકે આગ પર કાબુ મેળવી શકાયો છે. આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરાયો છે. હાલ કૂલિંગની કામગીરી ચાલી રહી છે. આગમાં 450 જેટલી દુકાનો માલ-સામાન સાથે બળીને ખાક થતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

સુરત શહેરના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં પ્રથમ બેઝમેન્ટમાં આગ લાગી હતી. તે આગ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ બુઝાવી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે શિવશક્તિ માર્કેટના ચોથા માળે ગઈકાલે સવારે 7 વાગ્યે આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયરવિભાગની 22 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા વધુ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી. આગને કાબુમાં લેવા ફાયર ફાયટરો ઓક્સિજન માસ્ક પહેરીને બિલ્ડિંગમાં ઘૂંસ્યા હતા. અને સતત પાણીનો મારે ચલાવીને 30 કલાકે આગ પર કાબુ મેળવાયો હતો. મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિતનાએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ જાણી હતી. 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. ભીષણ આગમાં 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, મહદઅંશે આગ કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે. મેં રિપોર્ટ મંગાવ્યો છે કે, કેટલું ગેરકાયદે ટ્રક્ચર હતું. રિપોર્ટ આવ્યા બાદ ગેરકાયદે ટ્રક્ચર અંગે ખબર પડશે, પણ અત્યારી અમારી પ્રાયોરિટી આખા બિલ્ડિંગમાં કુલિંગની પ્રક્રિયા થાય તે છે. કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં ટેક્સટાઈલ્સ માર્કેટની આગ ઉપર 30 કલાક બાદ પણ કાબુ મેળવી શકાયો નથી તે સવાલ પર મેયરે જણાવ્યું કે, આ ધંધો પેટ્રોલિયમ વસ્તુ છે. એક-એક દુકાનમાં સિઝન છે એટલે સ્ટોક ભરેલો હતો, એટલે ફાયરના જવાનોને આગને કાબુ કરવામાં વાર લાગી છે. ગુજરાતમાં સુરતની ફાયર સિસ્ટમ બેસ્ટ અને નંબર વન છે.

Exit mobile version