ભાદરવો ભરપૂર રહેતા રાજ્યના સૌથી મોટા પાંચ ડેમ છલોછલ ભરાયાં, સરદાર સરોવર ડેમ 66 ટકા ભરાયો
અમદાવાદઃ ગુજરાતમાં શ્રાવણ મહિનામાં વરસાદની ઘટ હતી અને પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે પ્રશ્ન ઊભો થયો હતો. સરકાર પણ વરસાદ ખેંચાતા ચિંતિત બની હતી. પરંતુ ભાદરવા મહિનામાં મેઘરાજાએ સતત બોટિંગ કરીને રાજ્યના મોટાભાગના જળાશયો છલકાવી દીધા છે. રાજ્યમાં 81 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે ગુજરાતના મોટા 18 ડેમમાંથી 5 ડેમ કડાણા, શેત્રુંજી, સુખી, ઉંડ-1 અને મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. આ સાથે જ 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 8 ડેમ એલર્ટ અને 8 ડેમ વોર્નિંગ લેવલ પર છે જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમ 66.24 ટકા ભરાયો અને 55 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કડાણા ડેમમાં જળસ્ત્રાવ 25,520 ચો.કિ.મી. ગુજરાતનો છે. જ્યારે 6,140 ચો.કિ.મી રાજસ્થાનનો છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે અને હાલ 100 ટકા ભરાઈ ગયો છે. કડાણા ડેમમાં હાલ 8201 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં હાલ 1249 એમસીએમ પાણીનું સ્ટોરેજ છે. જેથી મહિસાગર સહિતના વિસ્તારને પાણીની તંગી રહેશે નહીં. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ હાલ 95.75 ટકા ભરાઈ ગયો છે. થોડા દિવસ પહેલા 3 લાખ ક્યુસેક સુધી પાણીની આવક થઈ રહી હતી. જેથી તંત્ર દ્વારા પાણી તાપી નદીમાં છોડવાની ફરજ પડી હતી. જોકે, ઉપરવાસમાં વરસાદ બંધ થતા પાણીની આવકમાં ઘટાડો થયો છે. હાલ ઉકાઈ ડેમની સંપૂર્ણ સપાટી 345થી 1.77 ફૂટ જ દૂર છે. તંત્ર દ્વારા ઉકાઈ ડેમને સંપૂર્ણ ભરવા તૈયારીઓ કરવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમમાં 74 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 22 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 6414.74 એમસીએમ પાણીનું સ્ટોરેજ છે. જેથી સુરત સહિત દક્ષિણ ગુજરાતને સિંચાઇ અને પીવાના પાણી માટે 2 વર્ષ ચાલે એટલું પાણી ઉકાઇ ડેમમાં સંગ્રહ થઇ ગયું છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમ, ભાદર ડેમ, મચ્છુ ડેમ, આજી ડેમ સહિત મોટા ભાગના ડેમ છલોછલ ભરાઈ ગયા છે. એટલે રવિ સીઝનમાં પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીં.રાજ્યમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.