Site icon Revoi.in

ગિરનારની લીલી પરિક્રમા પહેલા જ વન વિભાગ શરૂ કરી તૈયારીઓ

Social Share

જુનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે  રાજ્યના વન વિભાગ દ્વારા તૈયારીઓ શરી કરી દેવામાં આવી છે. કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે ચાર દિવસ ગિરનારની લીલી પરિક્રમા યોજાશે.

લીલી પરિક્રમા એ ગિરનારના કેટલાક પર્વત ફરતે ચાલીને કરવામાં આવતી સફર છે. જેનું અંતર અંદાજે 36 કિલોમીટર જેટલું છે. પ્રાચીન સમયમાં જ્યારે સુવિધાઓ મર્યાદિત હતી ત્યારે ચાર દિવસનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. હવે તો ચાલવાના શોખીનો એક જ દિવસમાં આ પરિક્રમા પૂરી કરી નાખતા હોય છે. લીલી પરિક્રમાનો પ્રારંભ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલી ગિરનાર તળેટીમાંથી કરવામાં આવે છે. પરિક્રમા માટે રૂટ નક્કી કરવામાં આવેલો છે. પરિક્રમા પર્યાવરણ અને વન્યજીવન પ્રેમીઓ માટે મહત્ત્વની છે, કેમ કે પરિક્રમાના રસ્તે પરિક્રમાના ચાર દિવસ સિવાય જવાની છૂટ નથી. એ જંગલનો પ્રતિબંધિત વિસ્તાર છે. ગિરનારનાં અલગ અલગ રૂપ જોવાં હોય તો પરિક્રમા વખતે જોવાં મળે છે. પહેલાંના જમાનામાં શ્રદ્ધાળુઓ પોતાની સાથે રસોઈનો સામાન, ઓઢવાં-પહેરવાની સામગ્રી વગેરે સાથે લઈને જતાં હતાં. નક્કી કરેલાં સ્થળોએ પ્રવાસીઓ તંબુ તાણતા હતા અને રસોઈ વગેરે કરીને આગળ વધતા હતા. હવે એવું રહ્યું નથી. રસ્તામાં અનેક સામાજિક સંગઠનો રસોઈ, ચા-પાણી, ઓઢવાં-પાથરવાંની સામગ્રી વગેરેની મદદ સાથે ગોઠવાયેલાં હોય છે.

લીલી પરિક્રમામાં વખતે શિયાળો વધારે આકરો લાગશે. જંગલ હોવાથી ઠંડી વધુ અનુભવાશે. માટે પ્રવાસીઓએ વસ્ત્રોની પસંદગી ઠંડીને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. પરિક્રમાના રૂટમાં કેટલાંક સીધા અને ઊંચાં ચઢાણ આવે છે. ચાલતાં-ચાલતાં હાંફી જવાય છે. તે માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઇએ. પરિક્રમાનો રસ્તો નિર્ધારિત છે, દિવસો પણ ફિક્સ છે. બીજી તરફ આખા ભારતમાંથી શ્રદ્ધાળુ આવતા હોય છે. માટે લાખોની સંખ્યામાં ભીડ હોય છે. પરિક્રમા જંગલમાંથી પસાર થાય છે, જ્યાં પ્લાસ્ટિક કે બીજા કોઈ પ્રકારનો કચરો ફેંકવાની પરવાનગી નથી. પરિક્રમાના રૂટ પર ઠેર ઠેર સરકારી સહાય કેન્દ્રો, અધિકારીઓ, સ્વયંસેવકો સંસ્થાઓ ઉપલબ્ધ હોય છે. માટે કોઈ પ્રવાસીઓને કોઈ પ્રકારની મુશ્કેલી પડે તો તરંત મદદ મળી રહે છે.

પરિક્રમાને લઈને ફોરેસ્ટ વિભાગ દ્વારા માહિતી પણ બહાર પાડવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, પરિક્રમા વિસ્તારમાં હિંસક પ્રાણીઓ જેવા કે, સિંહ દીપડા વગેરે વસવાટ કરતા હોય છે, આથી જ યાત્રિકોએ નિયત કરેલા રસ્તા કે, કેડીઓ સિવાય જંગલમાં અંદર જવું ન જોઈએ. જોકે પરિક્રમા દરમિયાન કોઈ વન્ય પ્રાણીઓ પક્ષીઓ સામે આવી જાય તો તેને છંછેડવા નહીં, તેમજ ઝાડની ડાળીઓ વાસ વગેરેનું કટીંગ કરીને કુજરતી સંપતિને નુકસાન પહોંચાડવું નહીં. પરિક્રમાં દરમિયાન કોઈપણ જાતના ફટાકડા કે સ્ફોટક પદાર્થ, લાઉડ સ્પીકર, પ્લાસ્ટિકની થેલી, પાન માવા, ગુટકા, બીડી સિગારેટ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ સાથે રાખવા નહીં. પરિક્રમા દરમિયાન વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે સ્ટોલ રાખવાની મનાઈ છે. પરિક્રમા વિસ્તારમાં આગના બનાવો ન બને તે માટે ચૂલાઓ, તાપણાઓ સળગાવવા નહીં. ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્ય હોવાથી દરેકે તમામ પ્રવર્તમાન કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

 

Exit mobile version