Site icon Revoi.in

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો હોવાની સરકારે વિધાન સભા ગૃહમાં આપી ખાતરી

Social Share

ગાંધીનગર, 25 માર્ચ 2026: Government assures adequate supply of petrol and diesel ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસની અછતના મુદ્દે વિપક્ષે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતમાં ઊર્જાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી.

ગુજરાત વિધાનસભામાં નિયમ-116 હેઠળ સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે, ભારતની કુલ રિગેસિફિકેશન ક્ષમતાના 62% હિસ્સો માત્ર ગુજરાત પાસે છે. રાજ્યમાં 1,073 CNG સ્ટેશનો અને 37 લાખથી વધુ ઘરોમાં PNG કનેક્શન કાર્યરત છે. કેન્દ્ર સરકારના માર્ચ 2026 ના ગેઝેટ મુજબ, સામાન્ય જનતાને મળતા ગેસને પ્રાથમિકતા-1 માં રાખવામાં આવ્યો છે. જેથી પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં પડે. રાજ્યમાં અફવાઓને કારણે ઈંધણનું વેચાણ સામાન્ય કરતા 4 થી 5 ગણું વધી ગયું છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા સરકારે 23 માર્ચ 2026 ના રોજ પરિપત્ર જાહેર કર્યો છે. પેટ્રોલ-ડીઝલનું વેચાણ મુખ્યત્વે વાહનોની ટાંકી પૂરતું જ સીમિત રખાશે. ખેતી અને મોબાઈલ ટાવર માટે નિયત મર્યાદામાં જ બેરલ દ્વારા ઈંધણ લઈ જવાની છૂટ મળશે. કૃત્રિમ અછત ઉભી કરનારા વિક્રેતાઓ સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાર્યવાહી કરાશે. રાંધણ ગેસ સમયસર મળી રહે તે માટે રાજ્યમાં 1029 સઘન મોનિટરિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમોમાં મહેસૂલ અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 1800-233-0222 પણ કાર્યરત છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 7,843 ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

વિધાનસભામાં ઊર્જામંત્રીના નિવેદન સામે વિપક્ષી નેતાઓએ અનેક રજૂઆતો કરી હતી. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ સુરતના ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોની હિજરતનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત આપ નેતા ગોપાલ ઇટાલિયા જનતાને સરકારના આશ્વાસન પર વિશ્વાસ ન હોવાની વાત કરી હતી. કોંગ્રેસી નેતા અમિત ચાવડાએ હોટેલો અને PG જેવા સ્થળોએ લોકોને પડતી તકલીફનો મુદ્દો ઉઠાવી, સરકાર પાસે બફર સ્ટોકની વિગતો જાહેર કરવાની માંગ કરી હતી.

Exit mobile version