Homeગુજરાતીસરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન-ફિનાઇલફ્રાઇનનું મિશ્રણ ધરાવતી દવાઓ પર...

સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન-ફિનાઇલફ્રાઇનનું મિશ્રણ ધરાવતી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી, 22 ઓગસ્ટ 2026: નાના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને, કેન્દ્ર સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ (Chlorpheniramine Maleate) અને ફિનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ (Phenylephrine Hydrochloride) ધરાવતા તમામ ‘ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન્સ’ (FDCs) ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે.

સરકારે આ દવાઓના લેબલ, પેકેજની અંદરની માહિતી-પત્રિકાઓ અને પ્રચાર-સામગ્રી પર સ્પષ્ટ ચેતવણીનો સમાવેશ કરવાનું ફરજિયાત બનાવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ FDC (ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન્સ) નો ઉપયોગ કરવો જોઈએ નહીં.

અગાઉ, 15 એપ્રિલ 2025ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા દ્વારા ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા અમુક ચોક્કસ ‘ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન્સ’ (FDCs) માટે વય-સંબંધિત સમાન ચેતવણી ફરજિયાત કરવામાં આવી હતી. સરકારે હવે આ જોગવાઈનો વ્યાપ વધારીને તેમાં આ બે ઘટકો ધરાવતા તમામ ફોર્મ્યુલેશન્સનો સમાવેશ કર્યો છે.

આ નિર્ણય નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) ની ભલામણોના આધારે લેવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં દવાઓના આ સંયોજનોનો ઉપયોગ જોખમી બની શકે છે, જ્યારે તેના સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.

ઉત્પાદકોએ આ દવાઓ પર આ ચેતવણી સ્પષ્ટપણે દર્શાવવી આવશ્યક છે: “ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ‘ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન્સ’ (નિશ્ચિત માત્રાના સંયોજનો) નો ઉપયોગ કરવો જોઈએ નહીં.”

આ જાહેરનામું ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940’ની કલમ 26-એ હેઠળ જનહિતમાં બહાર પાડવામાં આવ્યું છે અને તે અધિકૃત ગેઝેટમાં તેના પ્રકાશનની તારીખથી અમલમાં આવ્યું છે.

વધુ વાંચો: જયપુર: પૂરપાટ ઝડપે આવતી SUVની ટક્કરથી એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular