ભોપાલ, 22 ઓગસ્ટ 2026: શનિવારે સવારે લગભગ ૩:૩૦ વાગ્યે મુલતાઈ નજીક બેતુલ-નાગપુર નેશનલ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એક કાર રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, જ્યારે કારચાલક સહિત અન્ય નવ લોકો ઘાયલ થયા.
ડ્રાઈવરને ઝોકું આવી ગયું
પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર તમામ લોકો મહારાષ્ટ્રના નાગપુર નજીકના બુટિબોરી કોલસાની ખાણ વિસ્તારના શ્રદ્ધાળુઓ હતા. તેઓ સિહોર સ્થિત કુબેરેશ્વર ધામના દર્શનાર્થે એક વાહન દ્વારા મુસાફરી કરી રહ્યા હતા.
પ્રાથમિક તપાસ સૂચવે છે કે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું, જેના કારણે રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક પર તેનું ધ્યાન ન ગયું અને કાર સીધી તેના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
પતિ-પત્ની સહિત ત્રણ જણનાં મોત
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ 42 વર્ષીય દીપક અને તેમની 40 વર્ષીય પત્ની છાયા તરીકે કરવામાં આવી છે. મૃત્યુ પામેલી ત્રીજી મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મુલતાઈ હોસ્પિટલ મોકલી આપ્યા છે.
9 ઘાયલ, 6ને નાગપુર રિફર કરાયા
અકસ્માતના સમાચાર મળતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને મુલતાઈની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર બાદ, ગંભીર હાલતને કારણે ઘાયલોમાંથી છ જણને નાગપુર રિફર કરવામાં આવ્યા હતા.
વધુ વાંચો: જયપુર: પૂરપાટ ઝડપે આવતી SUVની ટક્કરથી એક જ પરિવારના ચાર સભ્યોનાં મોત


