અમદાવાદ: ગુજરત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો આજે સોમવારથી પ્રારંભ થશે. જે તા. 14 જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવાશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓની આજે સોમવારે સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધી બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે. બપોરે 3 વાગ્યાથી 6.15 સુધીમાં ગુજરાતી સહિત અન્ય ભાષાઓની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સવારે 10.30 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ગણિતની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરે 3 થી 6.30 દરમિયાન જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની એકમાત્ર વિષયની પૂરક પરીક્ષા 13 જુલાઈના રોજ લેવાશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ધોરણ 10 માટે 35 બિલ્ડિંગ જ્યારે ધોરણ 12 માટે 17 બિલ્ડિંગ ફાળવાયા છે, જેમાં કુલ 12 હજાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.
બોર્ડના સૂત્રોએ ઉમેર્યું હતુ કે, ધોરણ 10 અને 12ની પુરત પરીક્ષા પૂર્ણ થતાં જ ઉત્તર વહીઓનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ કરીને તરત જ પરિણામ જાહેર કરાશે. જેથી વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાં ઉપલા વર્ગમાં સમયસર પ્રવેશ મેળવી શકશે.