Site icon Revoi.in

ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયકને વિધાનસભામાં સર્વાનુમતે મંજુરી મળી

Social Share

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલે, ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ  સુધારા વિધેયક રજુ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય હેતુ ગુજરાતમાં આયુર્વેદિક અને યુનાની વ્યવસાયીઓની નોંધણી માટે પ્રબંધ કરવાનો અને ગુજરાત રાજ્યનું આયુર્વેદ/ યુનાની તબીબોનું રજિસ્ટર એટલે કે, નોંધણી પત્રક નિભાવવાનો છે.

મંત્રી પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા માટે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963 હેઠળ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડીસીન, ગુજરાતનું રજીસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. આ કાયદાની કલમ-30 હેઠળ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરવો ગુન્હો બને છે.

કાયદાની કલમ-3 મુજબ પાંચ વર્ષની મુદત માટે બોર્ડની રચના કરવામાં આવે છે. બોર્ડમાં 11 સભ્યોની જોગવાઈ છે. જે પૈકી 4 સભ્યોને ગુજરાત સરકાર દ્વારા નોમિનેટ કરવાની તથા 7 સભ્યોની ચૂંટણી કરવાની જોગવાઈ છે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.

આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકારના ધી નેશનલ કમીશન ફોર ઇન્ડીયન સિસ્ટમ્સ ઓફ મેડીસીન 2020 (NCISM Act 2020) એક્ટ અમલમાં આવતા અને તેમાં થયેલ જોગવાઈઓ મુજબ “બોર્ડ” શબ્દ ફક્ત કેન્દ્ર સરકાર કક્ષાના ચાર બોર્ડ માટે જ ઉલ્લેખ કરી શકાય છે.

આ સુધારા વિધેયકથી 1963 ના કાયદાની કલમ-2 માં  Councilની વ્યાખ્યા ઉમેરાઈ છે. અગાઉના કાયદામાં કલમ-2 અને કલમ-40 સિવાય જ્યાં જ્યાં “Board” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ત્યાં “Council” શબ્દ મુકવા માટેનો સુધારો સુચવાયો છે તેમ મંત્રીએ વધુમાં કહ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સુધારા વિધેયક અમલી બનતા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું નામ ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન થશે.

વિધાનસભા ગૃહ ખાતે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર કરાયું હતું.