આજના ડિજિટલ યુગમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ બાળકોમાં પણ જમતી વખતે મોબાઈલમાં રીલ્સ કે વીડિયો જોવાની લત ખૂબ જ સામાન્ય બની ગઈ છે. માતા-પિતા ઘણીવાર બાળક સરળતાથી જમી લે તે માટે તેના હાથમાં ફોન થમાવી દે છે, પરંતુ આ નાની લાગતી આદત બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, સ્ક્રીન સામે રાખીને ખાવાથી બાળકોના પાચનતંત્ર અને વજન પર સીધી અસર પડે છે.
તબીબોના જણાવ્યા અનુસાર, આજકાલ બાળકો ફોનમાં વીડિયો જોયા વગર જમવા તૈયાર થતા નથી. માતા-પિતાને એમ લાગે છે કે બાળક શાંતિથી જમી રહ્યો છે, પરંતુ તેનાથી પાચન અને વજન બંને પર માઠી અસર પડે છે. જ્યારે બાળકનું ધ્યાન મોબાઈલની સ્ક્રીન પર હોય છે, ત્યારે તે ખોરાકને બરાબર ચાવ્યા વગર જ મોટા ટુકડાઓ ઝડપથી ગળી જાય છે. જેના કારણે પેટ ફૂલવું, ગેસ, અપચો અને પેટમાં ભારેપણા જેવી સમસ્યાઓ સર્જાય છે.
- વધુ પડતું ખાવાનું જોખમ
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પેટ ભરાઈ ગયાના સંકેતો મગજ સુધી પહોંચવામાં થોડો સમય લાગે છે. પરંતુ, જ્યારે મગજ રીલ્સ જોવામાં વ્યસ્ત હોય ત્યારે શરીરના હંગર સિગ્નલ (ભૂખના સંકેતો) પર ધ્યાન નથી રહેતું. પરિણામે, બાળક જરૂરિયાત કરતાં વધુ ખોરાક ખાઈ લે છે, જેને ઓવરઈટિંગ કહે છે. જો સ્ક્રીન જોતી વખતે ચિપ્સ કે પેકેટવાળા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવામાં આવે, તો શરીરમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી જાય છે. લાંબા ગાળે આનાથી સ્થૂળતા (ઓબેસિટી), કબજિયાત અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોનો ખતરો વધી જાય છે.
-
આદત કેવી રીતે સુધારવી?
સ્ક્રીન ટાઇમ બંધ કરો: બાળકને જમાડતી વખતે કોઈપણ સંજોગોમાં મોબાઈલ કે સ્ક્રીન ન બતાવો.
માઇન્ડફુલ ઈટિંગ: બાળકને શીખવો કે જમવું એ એક ‘માઇન્ડફુલ એક્ટિવિટી’ છે, બેકગ્રાઉન્ડ એક્ટિવિટી નહીં.
પરિવાર સાથે સમય વિતાવો: બાળકને પરિવાર સાથે બેસીને ધીમે-ધીમે અને ચાવીને ખાવાની આદત પાડો.
બાળકને માત્ર હેલ્ધી ફૂડ ખવડાવવું જ પૂરતું નથી, પરંતુ તેને હેલ્ધી રીતે જમવાની સાચી રીત શીખવવી પણ એટલી જ જરૂરી છે.


