Site icon Revoi.in

ભાજપના નેતાઓના પીઠબળને લીધે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છેઃ કોંગ્રેસનો આક્ષેપ

Social Share

ગાંધીનગરઃ  વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર તરફથી જે જવાબો મળ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન રહ્યું નથી. ગુજરાત વિધાનસભામાં સરકાર ધ્વારા રજૂ કરવામાં આવેલા ક્રાઇમના આંકડા રાજ્યની વાસ્તવિક સ્થિતિને રજૂ કરે છે. સુરત શહેર-જીલ્લા અને નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં જે ગુના નોંધાયા છે કે જે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો વિસ્તાર છે, ભાજપના સાંસદ સી આર પાટીલનો મત વિસ્તાર છે તેમાં રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે, રોજ 7 ચોરીઓ થાય છે, રોજ 1 અપહરણ થાય છે અને રોજ 2 છેતરપિંડીના ગુના નોંધવામાં આવે છે, જે આંકડાં જ સાબિત કરે છે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોતાના જ વિસ્તારમાં જાળવવામાં નિષ્ફળ ગયા છે.

અમિત ચાવડાએ સરકાર સામે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠેરઠેર નાની નાની માસૂમ બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે, રાજ્યમાં ભૂમાફીયાઓ-ખનન માફિયાઓ બેફામ થઈ લોકોને રંજાડી રહ્યા છે, ક્યાંક માથાભારે રાજકીય લોકો જેના સત્તા પક્ષ સાથે જોડાણ છે એ લોકોને દબાવી રહ્યા છે. અમદાવાદ હોય, સુરત હોય કે રાજકોટ હોય, ગુંડા તત્વો, અસામાજિક તત્વો, બુટલેગરો ખુલ્લેઆમ રોડ ઉપર દાદાગીરી કરે છે, ખુલ્લી તલવારો, લાકડીઓ, હથિયારો સાથે રસ્તા પર તોડફોડ કરી સામાન્ય નાગરિકો અને તેમના જાન માલ પર હુમલા થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે ગુંડા તત્વોમાં રાજ્ય સરકાર કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી, કાયદો વ્યવસ્થા અને પ્રશાસનનો આવા અસામાજિક તત્વો પર કોઈ અંકુશ રહ્યો નથી.

તેમણે કહ્યુ હતું કે, ખુદ રાજ્ય સરકારના જાહેર કરેલા ગુનાના આંકડા અને રાજ્યની હાલની સ્થિતિ જ દર્શાવે છે કે સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્ય પોલીસ વડા ધ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક આદેશને ટાંકીને અમિત ચાવડાએ જણાવ્યું કે જ્યારે સરકાર અને પોલીસની પોલ ખુલી ત્યારે સફાળી જાગેલી સરકાર બૂટલેગરો અને હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી કરવાની વાત કરી રહી છે ત્યારે તેમાં ભાજપના બુટલેગર કેટલા, ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા, ભાજપનો ખેસ પહેરેલા બૂટલેગરો કેટલા એની પણ યાદી જાહેર કરવી જોઈએ જેથી જેટલું લીસ્ટ અસામાજિક તત્વો અને બુટલેગરનું નીકળશે એના કરતા વધુ ભાજપનો ખેસ પહેરેલા અસામાજિક તત્વો વધુ હશે.

તેમણે આક્ષેપ કર્યો કે આ બુટલેગરો અને અસામાજિક તત્વોની તપાસ કરવામાં આવે તો ખબર પડે કે કયા પ્રકારની રાજકીય નેતાઓના ઇશારે આ લોકો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી રહ્યા છે અને રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ કેમ વધ્યું છે.

Exit mobile version