
રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે મોટી માત્રામાં આઈસ્ક્રીમનો જથ્થો સીલ
- લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
- આરોગ્ય વિભાગે 80 હજારનો આઈસ્ક્રીમ જપ્ત કર્યો
- આરોગ્ય વિભાગની કાર્યવાહીથી સ્ટોલ સંચાલકોમાં ફફડાટ
અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સાતમ-આઠમના લોકમેળા યોજાઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં પણ લોકમેળાનું આયોજન કરાયું છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. દરમિયાન આ લોકમેળામામાં આરોગ્ય વિભાગે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન મોટી સંખ્યામાં આઈસ્ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની ઉપર કોઈ પણ પ્રકારની માહિતીનો ઉલ્લેખ કરાયો ન હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગના અધિકારીઓએ વિવિધ ફુડસ્ટોલ પર ચેકીંગ કર્યું હતું જેમાં એક આઈસ્ક્રીમના સ્ટોલ પર ચેકીંગ દરમ્યાન પેકેજીંગની તારીખ કે, ઉત્પાદન કર્યાની તારીખ લખ્યા વગરનો આઈસ્ક્રીમ વેચાતો હોવાનું સામે આવ્યું હતું. તારીખ લખ્યા વગરના કુલ 80 હજારની કિંમતનો આઈસ્ક્રીમનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો. લોક મેળામાં 5 દિવસ દરમિયાન લાખો લોકો મેળાનો આનંદ પરીવારજનો સાથે માણે છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું. આ ઉપરાંત ફ્રુટ વેચતા ધંધાર્થીઓને પણ ઢાકેલું તેમજ ફ્રેશ ફ્રુટ વેચવા તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. લોકમેળામાં સ્ટોલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.