પુલવામાના શહીદોની વીરતા દરેક ભારતીય માટે પ્રેરણા: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના ભયાનક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા હંમેશા યાદ રાખવામાં આવશે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “2019માં આજના દિવસે પુલવામામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર નાયકોને યાદ કરું છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠા, સંકલ્પ અને સેવા આપણા સૌના માનસપટ પર કાયમ માટે અંકિત રહેશે. દરેક ભારતીય તેમની અદમ્ય હિંમતમાંથી શક્તિ મેળવે છે.” કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ જણાવ્યું હતું કે, “14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતો અને તેમના પરાક્રમ તથા બલિદાનને અનંત વંદન.”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “પુલવામાના કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ વીર સપૂતોને સલામ. આપણા અમર જવાનોનું બલિદાન એ ભારતીય વીરતાના અજેય સંકલ્પની ઘોષણા છે, જે આપણને આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રેરણા આપે છે.” દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “2019ના પુલવામા હુમલામાં ભારત માતાના રક્ષણ માટે બલિદાન આપનાર જવાનોને હાર્દિક શ્રદ્ધાંજલિ. દેશ તમારી અદમ્ય હિંમત અને બહાદુરી માટે હંમેશા ઋણી રહેશે.”
આસામના મુખ્યમંત્રીએ કહ્યું, “પુલવામામાં આપણા બહાદુર જવાનોનું બલિદાન ક્યારેય ભૂલાશે નહીં. ભારત તેમની શહાદતને હંમેશા યાદ રાખશે.” ભારત આજે 2019ના પુલવામા હુમલાની 7મી વરસી મનાવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં CRPFના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરીને આતંકવાદ સામે કડક સંદેશ આપ્યો હતો.


