1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લખતરનો ઐતિહાસિક કિલ્લો બન્યો જર્જરિત, તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ
લખતરનો ઐતિહાસિક કિલ્લો બન્યો જર્જરિત, તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ

લખતરનો ઐતિહાસિક કિલ્લો બન્યો જર્જરિત, તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ

0
Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક છે. શહેર ફરતે વર્ષો જુનો કિલ્લો આવેલો છે.અને કિલ્લાની અંદર વસેલું શહેર છે. આજે ધૂળેટીના દિવસે આ કિલ્લો 128 વર્ષનો થયો છે. રાજ્યનો એક માત્ર અકબંધ કહેવાતો કિલ્લો સંભાળના અભાવે જર્જરિત બન્યો છે. અનેક રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી. પરિણામે વારસાનો વૈભવ ખંડિત થઈ રહ્યો છે. કિલ્લાના પથ્થરો અને ઈંટો નીકળતી જાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સ્ટેટના રાજવી કરણસિંહજીએ અંગ્રેજ શાસનમાં નગર ફરતે દીવાલ બનાવવાની મંજૂરી માગી હતી. બાદમાં સવંત 1940ની ફાગણ વદ એકમે ધૂળેટીના દિવસે દીવાલને બદલે કિલ્લો બનાવવાનું શરૂ કરાવ્યું હતું. 10 વર્ષ અને 6 મહિના પછી સવંત 1950માં આસો સુદ દસમે માત્ર 1 લાખ રૂપિયાના ખર્ચે અઢી કિલોમીટર લાંબો કિલ્લો તૈયાર થયો હતો. કિલ્લામાં ચાર દરવાજા, શિયાણી દરવાજો, ઉગમણો દરવાજો, આથમણો દરવાજો અને વાટડી દરવાજો તથા બ્રહ્મપોળની બારી તથા કાદેસરની બારી, એમ બે બારી આવેલી છે. ઝાલાવાડના વિવિધ કિલ્લાઓ પૈકીનો લખતરનો કિલ્લો તેની અખંડિતતાને કારણે આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે પરંતુ કિલ્લાની સારસંભાળ માટે સ્થાનિક તંત્ર ઉદાસીન વલણ અપનાવી રહ્યું હોવાથી લોકોમાં રોષ છે.

લખતરના ઐતિહાસિક કિલ્લાની સારસંભાળ રાખવામાં આવતી નથી. તંત્રનું પણ ઉદાસિન વલણ જોવા મળી રહ્યું છે. કિલ્લાને મરામત કરાવવો હોય તો 35 લાખનો ખર્ચ થાય તેમ છે. લખતરના કિલ્લાનું દશેક વર્ષ પહેલાં ગ્રામ વિકાસ કમિશનર દ્વારા અંદાજે રૂ. 8થી 10 લાખના ખર્ચે મરામત સાથે રંગકામ કરાવાયું હતું. અત્યારના સમયમાં આ કિલ્લાની મરામત –કરાવવામાં આવે તો લગભગ 35 લાખ રૂપિયાનો ખર્ચ થાય  તેમ છે. સ્થાનિક ઘારાસભ્ય અને સંસદ સભ્ય રસ લઈને ઐતિહાસિક કિલ્લાની મરામત કરાવે તેવી લોકોમાં માગ ઊઠી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,અંગ્રેજોના શાસન વખતની આ વાત છે. નગરની સુરક્ષા માટે લખતરના રાજવી કરણસિંહજી બાપુરાજે અંગ્રેજ સરકાર પાસે દીવાલ બનાવવાની પરવાનગી માગી હતી. મંજૂરી મળ્યા પછી તેમણે દીવાલને બદલે કિલ્લો બનાવ્યો હતો. આથી અંગ્રેજોએ તેમને નજરકેદમાં રાખ્યા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code