Site icon Revoi.in

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025 યોજાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને ઉત્સવોના આયોજન થકી રાજ્યની કલાસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાપત્ય, ધાર્મિક અને જોવાલાયક સ્થળોને લોકભોગ્ય બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

લોકસંસ્કૃતિ, કલા કારીગરી અને પ્રવાસન ક્ષેત્રની પ્રસિદ્ધિના ભાગરૂપે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ અગત્યની ભૂમિકા ભજવે છે. શરૂઆતના વર્ષોમાં ફક્ત અમદાવાદ શહેર ખાતે યોજાતો પતંગ મહોત્સવ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આયોજિત કરવામાં આવે છે.

આ વર્ષે તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં  વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે.

અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી  મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણ ઉપસ્થિત રહેશે.

રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  – 2025 ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો આ મુજબના રહેશે.  ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં,  આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે.  આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ,  રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.

‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

ગુજરાત રાજ્ય તેના વિવિધ પ્રકારના મેળાઓ અને ઉત્સવોની ઉજવણી માટે દેશભરમાં તેમજ વૈશ્વિક સ્તરે પણ પ્રસિદ્ધ છે. ગુજરાતના મેળાઓ અને ઉત્સવો અહીંની સ્થાનિક લોકસંસ્કૃતિનું પ્રતિબિંબ છે, જેમાં સમાજનો દરેક વર્ગ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તેથી આવા મેળા અને ઉત્સવોમાં પ્રવાસન સ્થળોની પ્રસિદ્ધિ કરવાનો ખૂબ જ સારો મોકો મળી રહે છે.

 

Exit mobile version