1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. ભવિષ્યની અદ્રશ્ય દીવાલ: શું તમે ખરેખર સુરક્ષિત છો?
ભવિષ્યની અદ્રશ્ય દીવાલ: શું તમે ખરેખર સુરક્ષિત છો?

ભવિષ્યની અદ્રશ્ય દીવાલ: શું તમે ખરેખર સુરક્ષિત છો?

0
Social Share

“બસ મમ્મી, કાલે જ હું મારા ફાઈનાન્શિયલ એડવાઈઝરને બોલાવીને એક સારો ટર્મ ઈન્સ્યોરન્સ અને લોન માટે ડિક્રીસિંગ પ્લાન લઈ લઈશ. પણ કંપની પસંદ કરવામાં શું ધ્યાન રાખવું?”

નિવૃત્ત આઈ. એ. એસ. માતા કુસુમબેનનો આત્મનિર્ભર દીકરી કૃષ્ણાને સવાલ, “શું તમારી પાસે ભગવાનનું સહી કરેલું કોઈ ગેરંટી કાર્ડ છે કે તમે સો વર્ષ જીવવાના જ છો?”

સાંજનો આહલાદક સમય હતો. ૬૨ વર્ષીય નિવૃત્ત આઈ. એ. એસ. અધિકારી કુસુમબેન પોતાના વિશાળ ડ્રોઈંગ રૂમમાં આરામદાયક ખુરશી પર બેસીને ગરમ ચાની ચુસ્કી લઈ રહ્યા હતા. તેમની નજર સામે તેમની 23 વર્ષની યુવાન, તેજસ્વી અને મહેનતુ દીકરી કૃષ્ણા બેઠી હતી. કૃષ્ણા પોતાના લેપટોપમાં વ્યસ્ત હતી અને સાથે જ ટેબલ પર પોતાના ઓર્ગેનિક નાસ્તાના પેકેટ્સ ચેક કરી રહી હતી.

માત્ર 23 વર્ષની નાની ઉંમરે કૃષ્ણાએ પોતાનો એક ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સનો ગૃહ ઉદ્યોગ શૂન્યમાંથી શરૂ કર્યો હતો અને અત્યંત ટૂંકા ગાળામાં તે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની ગઈ હતી. આજે તેને એક મોટો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો હતો, જેની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

“મમ્મી, મારો બિઝનેસ હવે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. મેં આવતા મહિનાથી નવી અત્યાધુનિક મશીનરી લેવા માટે એક મોટી બિઝનેસ લોન લેવાનું પણ વિચાર્યું છે. મારું ફાઈનાન્સિયલ આયોજન એકદમ પરફેક્ટ છે.” કૃષ્ણાએ આંખોમાં ચમક સાથે ઉત્સાહથી કહ્યું.

કુસુમબેને પોતાના ચશ્મા થોડા નીચે કર્યા અને દીકરી સામે એક વેધક નજરે જોયું. આખી જિંદગી સરકારી વહીવટમાં કાઢ્યા પછી અને લોકોની આર્થિક બરબાદીઓ નજરે જોયા પછી તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે માત્ર ઉત્સાહથી જિંદગી નથી ચાલતી.

કુસુમબેને ધીમા પણ મક્કમ અવાજે પૂછ્યું, “બેટા, તારો બિઝનેસ આયોજન ઉત્તમ છે. પણ શું તારી પાસે ભગવાનનું સહી કરેલું કોઈ ગેરંટી કાર્ડ છે કે તને આગામી 50 વર્ષ સુધી કંઈ જ નહીં થાય? તેં તારા ગૃહ ઉદ્યોગનું ભવિષ્ય વિચાર્યું, પણ તારા પોતાના ભવિષ્યની કોઈ અદ્રશ્ય દીવાલ ઊભી કરી છે ખરી કે જે સંકટ સમયે તારા વ્યવસાય અને પરિવારને બચાવી શકે?”

આ પણ વાંચોઃ ૨૫ લાખનો ચેક અને પિતાએ પુત્રને આપેલો જીવનભરનો પાઠ

કૃષ્ણા થોડી અટકી ગઈ.

“મમ્મી, તું શેની વાત કરે છે? મેં શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ચાલુ કરી દીધું છે. એ જ મારી સુરક્ષા છે ને?”

કુસુમબેને હસીને એક વ્યંગાત્મક કટાક્ષ કર્યો, “આજકાલની પેઢીની આ જ સૌથી મોટી ગેરસમજ છે. તમે લોકો બે લાખનો નવો મોબાઈલ લો એટલે તરત જ બે હજાર રૂપિયાનું મજબૂત સ્ક્રીન ગાર્ડ અને કવર ચડાવી દો છો, પણ કરોડો રૂપિયાના અમૂલ્ય જીવન માટે કોઈ કવર લેવામાં તમને ખર્ચો કે નુકસાન દેખાય છે. શું યમરાજ તારું આધાર કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો અને બેંક બેલેન્સ જોઈને તારી વિદાયની તારીખ નક્કી કરશે? રોકાણ એ સંપત્તિ બનાવવા માટે છે, પણ જો કાલે ઊઠીને અચાનક તને કંઈક થઈ જાય, તો તારી આ લાખોની બિઝનેસ લોન અને તારી ગેરહાજરીમાં ઊભા થનારા આર્થિક પ્રશ્નોનું શું? હું શુદ્ધ જીવન વીમાની, એટલે કે ટર્મ ઈન્સ્યોરન્સ ની વાત કરું છું.”

કૃષ્ણાએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું, “ઓહ મમ્મી, ટર્મ ઈન્સ્યોરન્સ? એમાં તો મુદ્દત પૂરી થાય એટલે કોઈ બોનસ પણ નથી મળતું અને આપણા ભરેલા પૈસા પણ ડૂબી જાય છે. એ તો સાવ નુકસાનનો જ સોદો છે ને? સામાન્ય ટર્મ પ્લાનમાં તો કોઈ હયાતી લાભ પણ નથી હોતો.”

કુસુમબેન સીધા ટટ્ટાર બેઠા. તેમનામાં રહેલા એક અનુભવી અને જ્ઞાની અધિકારીએ હવે મોરચો સંભાળ્યો.

“બેટા, આ વીમો છે, કોઈ લોટરીની ટિકિટ કે શેરબજાર નથી કે તું એમાં બોનસ કે નફાની આશા રાખે. ટર્મ પ્લાનમાં કોઈ બોનસ હોતું નથી, કારણ કે આ માત્ર અને માત્ર રિસ્ક કવર છે, સુરક્ષા માટેનું કવચ છે. છતાં પણ જો તારા જેવા લોકોને એવું જ હોય કે પોતાના ભરેલા પૈસા પાછા જોઈએ જ છે, તો રિટર્ન ઑફ પ્રીમિયમ પ્લાન પણ આવે છે. રિટર્ન ઑફ પ્રીમિયમમાં તેં જેટલું પણ પ્રીમિયમ ચૂકવેલું હોય, તે મુદ્દત પૂરી થતાં પરત મળી જાય છે. પણ મારી દૃષ્ટિએ શુદ્ધ ટર્મ પ્લાન જ શ્રેષ્ઠ છે.”

આ પણ વાંચોઃ પ્રેમ, કથા અને ભવિષ્યનું સ્વપ્ન: સપનાં સાથે સમજદાર આયોજન

કૃષ્ણા હવે લેપટોપ બંધ કરીને થોડી ગંભીર થઈને સાંભળી રહી હતી.

“તો મમ્મી, મારે કેટલા રૂપિયાનો વીમો લેવો જોઈએ? અને એની મુદ્દત કેટલી હોય?”

કુસુમબેને આંકડાઓની માયાજાળ અત્યંત સરળ ભાષામાં સમજાવતા કહ્યું, “જો દીકરા, વીમાની મુદ્દત એટલે કે પૉલિસી ટર્મ લઘુતમ 5 વર્ષથી લઈને મહત્તમ 40 થી 50 વર્ષ સુધીની હોય છે. સામાન્ય રીતે તે વ્યક્તિની ઉંમર 60 થી 85 વર્ષ સુધી કવરેજ આપે છે. તારી ઉંમર અત્યારે માત્ર 23 વર્ષ છે. તું 85 વર્ષ સુધીનું કવરેજ આરામથી લઈ શકે છે.

હવે રહી વાત જીવન વીમાની રકમ એટલે કે સમ એશ્યોર્ડની, તો તેનો સામાન્ય નિયમ એ છે કે તારી વાર્ષિક આવકના 10 થી 15 ગણો કવર તારી પાસે હોવો જ જોઈએ. બજારમાં લઘુતમ 5 લાખથી 25 લાખ રૂપિયાના કવરથી લઈને મહત્તમ 5 કરોડથી 10 કરોડ અથવા એનાથી પણ વધુ રકમના કવર ઉપલબ્ધ છે. તારા ગૃહ ઉદ્યોગની વાર્ષિક આવક અત્યારે સારી છે, તો તારે ઓછામાં ઓછો 1 કરોડનો વીમો લેવો જ જોઈએ.”

“1 કરોડનો વીમો, તો તો મમ્મી એની પ્રીમિયમ રકમ પણ બહુ મોટી આવતી હશે ને? મારી હજુ તો બિઝનેસની શરૂઆત છે.” કૃષ્ણાએ ચિંતા વ્યક્ત કરી.

કુસુમબેન ખડખડાટ હસી પડ્યા.

“અરે મારી ભોળી અને આત્મનિર્ભર દીકરી. આ જ તો ટર્મ ઈન્સ્યોરન્સનો સૌથી મોટો ફાયદો છે. તારી ઉંમર અત્યંત નાની છે, તારું આરોગ્ય સારું છે, વળી તને કોઈ ખરાબ કે ધુમ્રપાનની આદત નથી. પ્રીમિયમ પર ઉંમર, આરોગ્ય, વ્યવસાય, કવરની રકમ અને ધુમ્રપાનની આદતો જેવી બાબતો સીધી અસર કરે છે. 1 કરોડ રૂપિયાના કવર માટે સામાન્ય ઉદાહરણ આપું તો તારી ઉંમરે વર્ષે માત્ર 8,000 થી 25,000 રૂપિયા જ પ્રીમિયમ આવે. અને જો કોઈ નાની આવક વાળું વ્યક્તિ લઘુતમ કવર લે તો 2,૦૦૦ થી 5,૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષમાં પણ શરૂ થઈ જાય, જ્યારે મોટી ઉંમરે અથવા બીમારીમાં આ જ પ્રીમિયમ મહત્તમ 1 લાખ કે વધુ પણ હોઈ શકે. વિચાર કર, 1 કરોડની સુરક્ષા માટે મહિને માંડ હજાર કે પંદર સો રૂપિયા. શું તારો મહિનાનો કોફી કે પિઝાનો ખર્ચ આનાથી વધારે નથી?”

આ પણ વાંચોઃ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ

કૃષ્ણાને હવે પોતાની ભૂલ સમજાઈ રહી હતી.

“આ તો ખરેખર બહુ સસ્તું કહેવાય. પણ મમ્મી, મારે આખી જિંદગી આ પ્રીમિયમ ભરવું પડશે?”

“ના, એવું જરાય જરૂરી નથી,”

કુસુમબેને વ્યવહારુ જ્ઞાન આપતા જવાબ આપ્યો. “પ્રીમિયમ ભરવાની મુદ્દત એટલે કે પ્રીમિયમ પેઈંગ ટર્મમાં પણ ઘણી લવચીકતા છે. તેમાં લઘુતમ મુદ્દત એકસાથે (સિંગલ પે) અથવા 5 વર્ષની હોય છે. જ્યારે મહત્તમ મુદ્દત પૉલિસીની સંપૂર્ણ મુદ્દત એટલે કે 20 થી 40 વર્ષ સુધીની હોઈ શકે. તારી પાસે ત્રણ વિકલ્પો છે એટલે કે પહેલો, રેગ્યુલર પે, જેમાં પૉલિસી ચાલે ત્યાં સુધી પૂર્ણ સમય પ્રીમિયમ ભરવાનું. બીજો, લિમિટેડ પે, જેમાં તું 5, 10 કે 15 વર્ષમાં જ બધું પ્રીમિયમ ભરીને જવાબદારીમાંથી મુક્ત થઈ શકે. અને ત્રીજો સિંગલ પે, જેમાં એક જ વખત પ્રીમિયમ આપવાનું. તું એક બિઝનેસવુમન છે, એટલે લિમિટેડ પે તારા માટે ઉત્તમ છે. વળી, તું પેમેન્ટ વિકલ્પો તરીકે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક ગમે તે પસંદ કરી શકે છે.”

કૃષ્ણાએ હવે તેના બિઝનેસના લાંબા ગાળાના દૃષ્ટિકોણથી વિચારવાનું શરૂ કર્યું.

“મમ્મી, એક વાત સમજાવ. ભવિષ્યમાં તો મોંઘવારી કૂદકે ને ભૂસકે વધશે. અત્યારનો 1 કરોડ કદાચ 20 વર્ષ પછી એટલો મૂલ્યવાન નહીં રહે. અને બીજું, મારે તો મશીનરી માટે મોટી બિઝનેસ લોન પણ લેવી છે. તો શું મારે બે અલગ વીમા લેવા?”

દીકરીની આ તેજસ્વી બુદ્ધિ જોઈને કુસુમબેનની છાતી ગર્વથી ફૂલી ગઈ.

આ પણ વાંચોઃ સુપ્રસિદ્ધ વિદુષી અરુણાબા જાડેજાએ વિદ્યાપીઠમાં અનુવાદ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું

“ખૂબ સરસ પ્રશ્ન, આના માટે બે વિશેષ પ્રકારના પ્લાન આવે છે. મોંઘવારી સામે રક્ષણ મેળવવા માટે તું ઈન્ક્રીસિંગ ટર્મ પ્લાન લઈ શકે છે. આ પ્લાનમાં તારું કવર દર વર્ષે સામાન્ય રીતે 5% થી 10% ના દરે વધતું જાય છે. એટલે કે આજે 1 કરોડ છે તો આવતા વર્ષે 1 કરોડ પાંચ લાખ થાય. અને તારી બિઝનેસ લોનની કે હોમ લોનની સુરક્ષા માટે તું ડિક્રીસિંગ ટર્મ પ્લાન લઈ શકે છે. આમાં જેમ જેમ તારી લોનની રકમ ચૂકવાતી જાય તેમ તેમ વીમાનું કવર પણ દર વર્ષે ઘટતું જાય છે. આનો ઉપયોગ ખાસ કરીને લોન સુરક્ષા માટે થાય છે અને તેનો ફાયદો એ છે કે તેનું પ્રીમિયમ બહુ ઓછું હોય છે.”

“વાહ મમ્મી, આ બધું તો મને ક્યારેય કોઈએ સમજાવ્યું જ નહોતું. પણ આમાં કોઈ અન્ય મહત્ત્વપૂર્ણ સુવિધાઓ કે ટેક્સ બેનિફિટ મળે ખરા? અને ભગવાન ન કરે પણ પૉલિસી દરમ્યાન મૃત્યુ થાય તો ક્લેઈમ કેવી રીતે મળે?”

કુસુમબેને અત્યંત શાંતિથી વિગતે સમજાવ્યું, “હા બેટા. આમાં અન્ય મહત્ત્વપૂર્ણ સુવિધાઓ તરીકે રાઈડર લાભો ઉમેરી શકાય. જેમ કે ક્રિટિકલ ઈલનેસ રાઈડર જેમાં ગંભીર બીમારી આવે તો સારવાર માટે સીધી રકમ મળે, એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ અને વેવર ઑફ પ્રીમિયમ એટલે કે જો કોઈ કારણસર કમાવવાની ક્ષમતા જતી રહે તો આગળના બધા પ્રીમિયમ માફ થઈ જાય.

આ ઉપરાંત, આવકવેરામાં પણ મોટો ટેક્સ લાભ છે. તું જે પ્રીમિયમ ભરે છે તેના પર ધારા 80C હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. અને જો પૉલિસી દરમ્યાન વ્યક્તિનું મૃત્યુ થાય તો 1૦૦% સમ એશ્યોર્ડ ચૂકવાય છે, જે ધારા 10(10ડી) હેઠળ સંપૂર્ણપણે ટેક્સ મુક્ત હોય છે. આ મૃત્યુ લાભના ચૂકવણી વિકલ્પોમાં પરિવારને એકસાથે રકમ, માસિક આવક અથવા બંનેના મિશ્ર વિકલ્પ રૂપે પૈસા મળી શકે છે, જેથી પરિવારને એકસાથે રકમ સંભાળવામાં તકલીફ ન પડે.”

આ પણ વાંચોઃ જીવનઝરૂખોઃ સંઘર્ષમાં ઝળહળતી જિંદગી..

કૃષ્ણા હવે સંપૂર્ણપણે સંતુષ્ટ દેખાતી હતી. તેના મગજમાંથી વીમા પ્રત્યેના બધા જ પૂર્વગ્રહો દૂર થઈ ગયા હતા.

“બસ મમ્મી, કાલે જ હું મારા ફાઈનાન્શિયલ એડવાઈઝરને બોલાવીને એક સારો ટર્મ ઈન્સ્યોરન્સ અને લોન માટે ડિક્રીસિંગ પ્લાન લઈ લઈશ. પણ કંપની પસંદ કરવામાં શું ધ્યાન રાખવું?”

કુસુમબેને પોતાની કારકિર્દીનો નીચોડ આપતા છેલ્લી અને સૌથી અગત્યની સલાહ આપી,

“કંપની ગમે તે હોય, પણ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો હંમેશા ચેક કરવો. સરેરાશ 95% થી 99% સુધીનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો ધરાવતી કંપની જ પસંદ કરવી. અને હા, ફોર્મ ભરતી વખતે આરોગ્યની કે આવકની કોઈ પણ માહિતી છુપાવવી નહીં.”

કૃષ્ણા પોતાની જગ્યાએથી ઊભી થઈ અને તેણે પોતાની માર્ગદર્શક માતાને પ્રેમથી ભેટી પડી.

“થેન્ક યુ મમ્મી, તેં આજે મને એક સાચા અર્થમાં આત્મનિર્ભર બનવાનો પાઠ ભણાવ્યો છે. માત્ર કમાવું પૂરતું નથી, કમાણીને અને ભવિષ્યને સુરક્ષિત કરવું એ સાચી આત્મનિર્ભરતા છે.”

કુસુમબેનના કરચલીવાળા ચહેરા પર એક અપાર સંતોષનું સ્મિત છવાઈ ગયું. સાચા અર્થમાં આજે તેમની 23 વર્ષની દીકરી માત્ર આર્થિક રીતે જ નહીં, પણ ભવિષ્યની સુરક્ષાની દૃષ્ટિએ પણ સશક્ત અને અજેય બની ગઈ હતી. ભવિષ્યની અદ્રશ્ય દીવાલ હવે મજબૂતીથી ચણાઈ ચૂકી હતી.

- હેમંત પરમાર દ્વારા
– હેમંત પરમાર દ્વારા

(વિશેષ સૂચનાઃ મીડિયા તરીકે એક સમાજિક જવાબદારીના ભાગરૂપે આ વિગતો આપવામાં આવે છેજે સર્વસાધારણ માહિતી અને ઉપયોગિતા ઉપર આધારિત છે. વ્યક્તિગત વીમા પ્લાનની પસંદગી માટે “રિવોઈ” કોઈ રીતે જવાબદાર નથી.)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code