Site icon Revoi.in

સત્યના માર્ગે ચાલી મેળવેલા જ્ઞાનનો રાષ્ટ્ર હિતમાં ઉપયોગ કરવો જોઈએ: રાજ્યપાલ

Social Share

પાલનપુર, 16 માર્ચ 2026: Graduation ceremony  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ તથા યુનિવર્સિટીના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ ગરિમામય સમારોહમાં રાજ્યપાલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના ૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ ૩૯ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તેમાં ૭ ચાન્સેલર ગોલ્ડ મેડલ, ૬ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને ૨૬ ડોનર ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ઉપરાંત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના કુલ ૫૧૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી દીક્ષિત કરવામાં આવ્યા હતા, જેમાં ૩૦૨ સ્નાતક, ૧૫૪ અનુસ્નાતક અને ૫૪ વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી.

આ પ્રસંગે રાજ્યપાલએ પદવીધારકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પ્રાચીન સમયથી દેશમાં ગુરુ-શિષ્યનો સંબંધ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. શિક્ષણના આદાન-પ્રદાન અને દિક્ષાંત સમારોહ થકી ગુરુ દ્વારા વિદ્યાર્થીઓને અંતિમ ઉપદેશ આપવામાં આવે છે. એક વિદ્યાર્થી પાસે સમાજ, પરિવાર અને દેશ શું અપેક્ષા રાખે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પ્રાચીન સમયથી ગુરુ દ્વારા વિદ્યાર્થીને પ્રથમ ઉપદેશ તરીકે સત્ય આધારિત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે. સત્ય અજેય છે અને તે અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય છે. બીજો ઉપદેશ જીવનમાં એવા દિવ્ય ગુણોને અપનાવવાનો છે, જેનાથી દરેકને સુખ અને શાંતિ મળે, જ્યારે ત્રીજો ઉપદેશ એ છે કે વિદ્યાર્થીએ જે વિષયનો અભ્યાસ કર્યો હોય તેની સાથે સતત જોડાયેલા રહી પોતાનું જ્ઞાન કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના હિતમાં ઉપયોગી બનાવવું જોઈએ. તેમણે જણાવ્યું કે, ખેડૂત ખેતરમાં જવાનું છોડી દે અને વિદ્યાર્થી અભ્યાસ છોડી દે તો બંનેનું કાર્ય નિરર્થક બની જાય છે.

રાજ્યપાલએ જણાવ્યું કે, એક વિદ્યાર્થી માટે માતા-પિતા અને ગુરુ હંમેશા પૂજનીય છે. દરેક વિદ્યાર્થીએ દેશના હિતમાં સારું કાર્ય કરવાની દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. તેમણે દેશની કૃષિ વ્યવસ્થાના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 60 ના દશકામાં ભારત અન્નક્ષેત્રે અન્ય દેશો પર નિર્ભર હતું. તે સમયે વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામીનાથને દેશને હરિત ક્રાંતિનો માર્ગ બતાવ્યો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીએ જણાવ્યું હતું કે ‘એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા હાયર એજ્યુકેશન રેન્કિંગ ૨૦૨૫-૨૬’માં યુનિવર્સિટીએ દેશભરમાં ૧૧મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઘઉં અને દિવેલા (અરંડી) સંશોધન કેન્દ્રોને રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળ્યા છે. આ વર્ષે વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂત સમુદાય માટે નવી ભલામણો રજૂ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીએ ૯૬ ગામો દત્તક લીધા છે અને વિવિધ સંશોધન કેન્દ્રોમાં કામગીરી પ્રગતિમાં છે.

Exit mobile version