Site icon Revoi.in

સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર પુસ્તકનું લોકાર્પણ સંપન્ન

Social Share

ગાંધીનગરઃ પૂર્વ મુખ્ય સચિવ અને સર્જક પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે, જીવનમાં નિષ્ઠાપૂર્વક નિષ્કામ ભાવે કાર્ય કરવાથી અદભુત કાર્યસંતોષ પ્રાપ્ત થતો હોય છે. પી.કે. લહેરી આજે સ્વર્ગસ્થ મનુભાઈ ત્રિવેદીની જીવની ઉપર આધારિત પુલક ત્રિવેદી દ્વારા લેખિત સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર પુસ્તકના લોકાર્પણ પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સ્વર્ગસ્થ મનુભાઈ લો-પ્રોફાઇલ અને બિનવિવાદાસ્પદ અધિકારી હતા. ત્રણ ‘ પી ‘ પાઘડી, પે અને પેન્શનનો ઉલ્લેખ કરતા પી.કે. લહેરીએ સરકારી અધિકારીઓની કર્તવ્ય પરાયણતા વિશે રસપ્રદ છણાવટ કરી હતી.

સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા વક્તા ડો. ભાગ્યશભાઇ જહાએ મનુભાઈ ત્રિવેદીની સરકારી અધિકારી તરીકેની કર્તવ્યનિષ્ઠા ઉપરાંત એમની આધ્યાત્મિક ચેતનાના પ્રસંગોને સુપેરે ઉજાગર કર્યા હતા. સ્વાધ્યાય સાદગી અને સમય પાલન મનુભાઈના જીવનના ત્રણ સ્તંભો હતા એમ તેમણે ઉમેર્યું હતું.
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે મનુભાઈ સાથેના એમના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા. જાણીતા શિક્ષણવિદ અને સર્જક ભાસ્કરભાઈ મહેતાએ મનુભાઈ સાથેની તેમની મૈત્રીને હૃદયપૂર્વક યાદ કરીને જણાવ્યું હતું કે, તેઓ એક મેઘાવી વ્યક્તિત્વ ધરાવતા મહાજ્ઞાની હતા.

આ પ્રસંગે સ્થિતપ્રજ્ઞ સરસ્વતીપુત્ર પુસ્તકના લેખક અને સંપાદક પુલકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરના આંગણે એપી કન્સલ્ટન્ટ પબ્લીકેશન હાઉસનો આ પુસ્તકના પ્રકાશનથી આરંભ કરવામાં આવતા હવે સર્જકોને એમના પ્રકાશન માટે ગાંધીનગરમાં સવલત ઉપલબ્ધ બનશે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના તંત્રી હરિત મહેતા, આર આર શેઠના ચિંતન શેઠ, ગ્રંથાલય નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામી, સર્જકો સર્વ કૃષ્ણકાંતભાઈ જહા, વી. એસ. ગઢવી, સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ, કૃષ્ણ દવે, રાઘવજી માઘડ, રમેશ ઠક્કર, કેશુભાઈ દેસાઈ, પ્રકાશ લાલા, કિશોર જીકાદરા, ડો. મુકેશ જોશી, પ્રતાપસિંહ ડાભી, મેહુલ ભટ્ટ, ગૌતમભાઈ પુરોહિત, આરતીબેન ત્રિવેદી, ડો પરીધીબેન પરીખ, ડો. કેવલ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં સર્જકો લેખકો અને પ્રબુધ્ધો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા સાહિત્ય સર્જક કલ્પેશ ભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલિત કર્યું હતું.