
સાળંગપુરમાં સુપ્રસિદ્ધ હનુમાનજીના મંદિરમાં દાદાને હિમાલયની ઝાંખી કરાવતો શણગાર કરાયો
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 2023ના વર્ષના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આજે 2023ના નવા વર્ષનો પ્રથમ દિવસ અને રવિવાર સાથે ધનુર્માસનો પવિત્ર દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિરની બહાર દર્શનાર્થીઓની લાઈનો લાગી હતી.
હનુમાનજી દાદાને આજે વિશેષ હિમાલયની ઝાંખી કરાવતા હોય તેવો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અલોકીક મુદ્રામાં દાદાના દર્શન કરી ભક્તો પણ ધન્યતાની લાગણીની અનુભૂતિ કરતા હોય છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું
સાળંગપુરના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરમાં દાદાના દર્શન કરવા માટે શનિવાર અને રવિવારના દિને દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોય છે. જેમાં આજે વર્ષ 2023નો પ્રથમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. હનુમાનજી દાદાને વાર-તહેવારે જુદો જુદો અવનવો શણગાર કરવામાં આવતો હોય છે. આજે હિમાલયની ઝાંખી કરાવતો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર ધનુર્માસ અંતર્ગત દાદાને હિમાલયના કુદરતી સૌંદર્યની ઝાંખી કરાવાતા દર્શનર્થીઓ ઉમટી પડ્યા હતા.