
રાજકોટઃ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટની મુલાકાતે આવતા તેમને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજકોટવાસીઓએ મોરેશિયસના વડાપ્રધાનનું અનેરૂ સ્વાગત કર્યું હતું. રોડ-શો દરમિયાન જુદા જુદા કાર્યક્રમોના આયોજન કરાયા હતા. જેમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળીને અભિભૂત થયા હતા. મોરોશિયસના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. જોકે વિવિધ શૈક્ષણિક સંસ્થાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આકરો તાપ હોવા છતાં ઉમટી પડ્યા હતા. તેમજ નાસિક ઢોલના નાદથી રાજકોટ ગુંજ્યું હોવાનો અનુભવ થયો હતો. શહેરમાં 43 ડિગ્રી તાપમાન હોવા છતાં આકરા તાપમાં માનવ મેદની ઉમટી હતી. અને શહેરીજનોએ પ્રવિંદ જુગનાથના સ્વાગતમાં કોઈ કસર છોડી નહોતી અને ફૂલોના વરસાદથી PMની કારને ઢાકી દીધી હતી.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બનતા શહેરીજનોએ ઉમળકાથી તેમનું સ્વાગત કર્યું હતું. પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ 25 પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લ્ચરથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.
રાજકોટના એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. કુલ 25 સ્ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી 10 સ્ટેજ પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ 15 સ્ટેજ પરથી વિવિધ સંસ્થાઓ દ્વારા લોક સંસ્કૃતિ તથા નૃત્યના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ રોડ શો દરમિયાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસિક ઢોલ, કથ્થક નૃત્ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્ય, વંદે માતરમ, લોકનૃત્ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્થાઓ તથા શાળા-કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. રોડ શોના વિવિધ સ્પોટ પર આત્મિય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનિયસ સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્ડેશન, ધોળકિયા સ્કૂલ તથા તાલાલા ગીરની સંસ્થાના સભ્યો દ્વારા આમંત્રિતોનું ઉષ્માસભેર અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ રોડ શો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મોરેશિયસના વડાપ્રધાનના કાફલાની સુરક્ષાને ધ્યાને રાખી શહેરભરની પોલીસને તૈનાત કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે સોમવારે બપોરે એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી એરપોર્ટ, એરપોર્ટ રેલવે ફાટકથી રેસકોર્સ રિંગ રોડ પર આવેલી જૂની એનસીસી ઓફિસ સુધીના રોડ પર સરકારી વાહનો સિવાયના અન્ય વાહનો માટે નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરેશિયસ આશરે 2 હજાર ચો.કિ.મી.માં આવેલો નાનકડો દેશ છે અને 61 વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને 2003થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અને જાન્યુઆરી-2017થી મોરેશિયસના વડાપ્રધાન છે.