1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીરના જંગલમાં જય ગિરનારીના નાદ સાથે પ્રરિક્રમાનો પ્રારંભ થશે, એક લાખ યાત્રિકો બોરદેવી પહોંચ્યા
ગીરના જંગલમાં જય ગિરનારીના નાદ સાથે પ્રરિક્રમાનો પ્રારંભ થશે, એક લાખ યાત્રિકો બોરદેવી પહોંચ્યા

ગીરના જંગલમાં જય ગિરનારીના નાદ સાથે પ્રરિક્રમાનો પ્રારંભ થશે, એક લાખ યાત્રિકો બોરદેવી પહોંચ્યા

0
Social Share

જુનાગઢઃ ગરવા ગિરનારની ફરતે 36 કિ.મી.ની પાવનકારી લીલી પરિક્રમાનો આજે  દેવઉઠી અગિયારસથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. જોકે ઘણાબધા પદયાત્રાળુઓએ તો  બે દિવસ પહેલા ગિરના જંગલમાં પ્રવેશી જય ગિરનારીના ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કરી દીધો હતો. તેથી એક લાખ જેટલા યાત્રાળુઓ બોરદેવી પહોંચી ગયા છે.
ગિરનારની પાંચ દિવસની લીલી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. આજે દેવી ઉઠી અગિયારસને દિને  રાત્રીના બાર કલાકે સાધુ-સંતોની હાજરીમાં પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે. જોકે બે દિવસ પહેલા જે યાત્રાળુઓએ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો તે યાત્રાળુઓ બોરદેવી પહોંચી ગયા છે. આમ પરિક્રમા પ્રારંભે જ ઘણાબધા યાત્રાળુઓ જંગલમાં પ્રવેશી પોતાની યાત્રા બે દિવસ વહેલી પૂર્ણ કરી લેશે.
ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવી પહોંચ્યા છે. યાત્રિકાની સુરક્ષા માટે સમગ્ર રૂટ ઉપર એક એસ.પી., 9 ડીવાયએસપી, 15 પીઆઇ, 90 પીએસઆઇ, 1400થી વધુ પોલીસ કર્મી, 600 હોમગાર્ડ, જીઆરડી અને 113 એસઆરપી જવાનો રાઉન્ડ ધી કલોક ખડેપગે તૈનાત કરાયા છે. દિવાળીના તહેવારોમાં મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાંથી બોધપાઠ લઇ વહીવટી તંત્ર, પોલીસે સજાગતા દાખવી વધુ સુરક્ષા રાખવાનો આદેશ કરી દર વર્ષ કરતા વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગિરનારના સાંકડા અને ભારે ભીડવાળા રૂટ પર ધકકામુકકી ન થાય તે માટે ત્યાં વધુ પોલીસ તૈનાત કરવામાં આવી છે. 16 રાવટીઓ ખાસ કરીને સોનાપુરી, ભવનાથ, દૂધવનની જગ્યા, ઇટાવાઘોડી સહિત અલગ અલગ જગ્યાએ વાયરલેસ સેટ, રાવટીઓને સજજ કરવામાં આવી છે.
ગિરનારની 36 કિ.મી.ની લીલી પરિક્રમાના રૂટ પર અન્નક્ષેત્રો 300 જેટલા શરૂ થઇ ચુકયા છે. જેમાં બાજરાના રોટલા, શાક, રીંગણા બટેટાનું શાક, દાળ-ભાત, રોટલી, ગાંઠીયા, ખમણ, બુંદી, લીસા લાડુ, ભજીયા, જલેબી સહિતની વિવિધ આઇટમો ગરમાગરમ પીરસવામાં આવી રહી છે. મોટા 90 અન્નક્ષેત્રોને પરમીટ આપવામાં આવી છે તેમજ નાના અન્નક્ષેત્રોને જંગલના એક નાકા પરથી પરમીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો છે.
અન્નક્ષેત્રો તેના સેવકો-સાધન સામગ્રી, રસોયા, વાસણો સાથે બે દિવસ અગાઉ આવી પહોંચ્યા હતા. ભોજન પ્રસાદ માટે 7200 ડબ્બા તેલ, 325 મણ ઘઉં, બાજરાનો લોટ 4200 મણ, શાકભાજી 1500 મણ, તુવેર 1500 મણ, ચોખ્ખા 4800 મણ, ખાંડ 240 મણ, મરચુ ધાણાજીરૂ મસાલાનો ઉપયોગ થવાનો અંદાજ છે.
ગિરનાર પરિક્રમા પૂર્વે રસ્તાઓ એક માર્ગીય અને પ્રવેશ પાસ સિવાયના વાહનોને પ્રવેશબંધી કરાવામાં આવે છે. પાર્કિંગ માટે પરિક્રમાર્થીઓને જાણ થાય તે માટે દર વર્ષે જાહેરનામુ બહાર પાડવામાં આવતુ હોય છે. આ વર્ષે બે દિવસ પહેલા લીલી પરિક્રમા શરૂ થઇ જતા તેમજ ભાવિકોની સંખ્યા વધુ પડતી થઇ જવા છતાં જાહેરનામુ બહાર પાડયા વગર જ મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે જ બહારથી આવતી કાર, રિક્ષાઓ, બસ સહિતના વાહનોને રોકી દેવામાં આવ્યા છે. બીજી તરફ ભરડાવાવ પાસેથી ટુ વ્હીલરોને પણ પ્રવેશ અપાતો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code