
પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાના ધોરણ 3થી 8ના પ્રશ્નપત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને મોકલાશે
અમદાવાદઃ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8માં આગામી તા. 26મી ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા લેવાશે. જે પરીક્ષા તા. 4થી નવેમ્બરના રોજ પૂર્ણ થશે, અને શૈક્ષણિક કલેન્ડર મુજબ 9મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. આ વખતે ધોરણ 3થી 8ના સત્રાંત પરીક્ષાના પ્રશ્ન પત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને તાલુકાના શિક્ષણ અધિકારીઓને મોકલી અપાશે. અને તેમના દ્વારા તમામ શાળાઓને પ્રશ્નપત્રોનું વિતરણ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો.3 અને ધો.4ના વિદ્યાર્થીઓએ ઉત્તરો કસોટીપત્રોમાં લખવાના રહેશે. જ્યારે ધો.5થી ધો.8ના વિદ્યાર્થીઓને પેપરના જવાબ અલગથી ઉત્તરવહીમાં લખાવાના રહેશે. સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે. ધો.3થી ધો.8ની પ્રથમ સત્રની કસોટીઓમાં ધોરણવાર અને વિષયવાર પ્રશ્નપત્રના પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવનને મોકલી દેવાયા છે. હવે ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરવામાં આવશે. જે તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીને સોંપાશે.ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 11 થી 1 નો રહેશે. જ્યારે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બપોરના 2 થી સાંજના 5 સુધીનો રહેશે. ધો.3થી 5માં પેપર 40 ગુણના અને ધો.6થી 8માં પેપર 80 ગુણના રહેશે. આ પરીક્ષામાં પ્રથમ સત્રનો જૂનથી ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે. સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોની સમાન કસોટીઓ સમાન સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, તમામ પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમ ભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટીપત્રો તૈયાર કરવાના રહેશે. બાકીના વિષયોની કસોટીઓ સ્વનિર્ભર શાળાઓએ પોતાની શાળા કક્ષાએ તૈયાર કરેલા સમયપત્રકના આધારે લેવાશે.