
મહી જમણાં કાંઠાના કમાન્ડ વિસ્તારોને 15 દિવસ માટે 6500 ક્યુસેક પાણી અપાશે
ગાંધીનગર: રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક અને નર્મદામાંથી 3500 ક્યુસેક આમ કુલ મળી 6500 ક્યુસેક પાણી સિંચાઇ માટે 15 દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 2 દિવસમાં આ પાણી મળતુ થઇ જશે. જેના પરિણામે કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારના લાખો ખેડૂતોને લાભ થશે.
નાયાબ મૂખ્યમંત્રી નીતિન પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આણંદ અને ખેડા જિલ્લાના લોકપ્રતિનિધીઓ, સાંસદસભ્યો અને ધારાસભ્યો દ્વારા મહી જમણા કાંઠાના નહેર યોજનાના કમાન્ડ વિસ્તારોમાં ડાંગરનો ધરૂ અને અન્ય પાકોમાં વરસાદ ખેંચાતા પાણીની જરૂરીયાત ઊભી થતાં પાણી છોડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મારી સમક્ષ રજુઆત કરાતા આ નિર્ણય કરાયો છે.
તેમણે ઉમેર્યુ હતું કે, 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરનું ધરૂ અને તેના વાવેતરની પ્રક્રિયા ચાલુ હોવાથી ડાંગરનો પાક હાલમાં કટોકટીમાંથી પસાર થઇ રહ્યો છે અને પાક સુકાઇ રહ્યો છે. જેથી આણંદ અને ખેડા જિલ્લાના લાખો ખેડૂતોને મદદરૂપ થવા માટે સિંચાઇ વિભાગ દ્વારા કડાણા ડેમમાંથી 3 હજાર ક્યુસેક અને સિંચાઇ વિભાગની માંગણી ધ્યાને લઇ, સરદાર સરોવર નર્મદા નિગમ લી દ્વારા 3500 ક્યુસેક વધુ પાણી આપી કુલ – 6500 ક્યુસેક પાણી મહી જમણા કાંઠા સિંચાઇ વિસ્તારમાં આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને લઇ નિર્ણય કરવામાં આવ્યો છે.