Site icon Revoi.in

ડાકોર જવા પગપાળા સંઘો થયા રવાના,જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઊઠ્યા

Social Share

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ફાગણી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે ગુરૂવારથી પદયાત્રીઓ ડાકોર જવા રવાના થયા છે. અમદાવાદથી ડાકોર જતા રોડ પર પદયાત્રીઓની વણઝાર જોવા મળી રહી છે, પદયાત્રી સંઘો જય રણછોડના નાદ સાથે ભજન કિર્તન કરતા ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. રોડની બન્ને બાજુ ઠેર ઠેર સેવા કેમ્પો લાગી ગયા છે. અને પદયાત્રીઓને ચા-પાણી ભોજન સહિત સેવા આપવામાં આવી રહી છે.

 અમદાવાદથી ડાકોર જવા પદયાત્રીઓ આજે વહેલી સવારથી રવાના થયા છે. કેટલાક પદયાત્રી સંઘો આજે રાત્રે પગપાળા ડાકોર જવા રવાના થશે. કેટલાક પરિવારો પણ પોતાની રીતે જ દર્શન માટે પગપાળા ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જય રણછોડના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ ઝુકાવવા માટે પગપાળા રવાના થઈ રહ્યા છે. સમગ્ર ભક્તિપથ ભજન, ભંડારા અને ભક્તિના ત્રિવેણી સંગમથી જાણે કે જીવંત બની ગયો છે..

ડાકોરમાં ધુળેટીના દિવસે યોજાતા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે અમદાવાદથી હજારો પદયાત્રીઓ આસ્થાભેર પગપાળા જઈ રહ્યા છે. આજે ગરૂવારથી ઘણાબધા યાત્રિકોએ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. જ્યારે આજે બપોરે, રાત્રે અને આવતી કાલે પદયાત્રિકોની ડાકોર જવા માટે વણઝાર ચાલુ જ રહેશે. સામાન્ય રીતે એક વ્યક્તિને ચાલીને ડાકોર પહોંચવામાં સરેરાશ ત્રણેક દિવસનો સમય લાગે છે. આ ગણતરી અનુસાર સોમવારે ડાકોર પહોંચી જવાય તેવી રીતે યાત્રિકો અમદાવાદથી પદયાત્રા શરૂ કરતા હોય છે.

સૂત્રોના જણાવ્યાનુસાર આશરે 60 કિ.મીના આ માર્ગ પર પદયાત્રિકોને ચા-નાસ્તો, ભોજન અને ઠંડાપીણા પિરસતા તેમજ પગની તેલ માલીશ તથા મેડિકલ સારવાર કરી આપતા નાના-મોટા 180થી વધારે સેવા કેમ્પ કાર્યરત બન્યા છે,  જેમાં સેંકડો સ્વયંસેવકો સેવા આપવા માટે સજ્જ છે. ભંડારામાં યાત્રિકોને ફાડા લાપસી, ચુરમાના લાડુ, પુરી-શાક, રોટલી, દાળ-ભાત, ઢોકળા, પાઉં-ભાજી, બટેટાવડા, ફૂલવડી, ફરાળી સૂકી ભાજી, મોરૈયો, ચેવડો વગેરે વ્યંજનો પિરસવામાં આવી રહ્યા છે. આ સેવા કેમ્પ સિવાય અનેક એકલ-દોકલ લોકો ઠંડાપીણા, નાળિયેર પાણી વગેરે વસ્તુઓનું વિતરણ કરવા ભક્તિપથ પર પહોંચી જશે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી પદયાત્રા માટે નિકળતા સંઘો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Exit mobile version