ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : The Gujarat government will organize the Seva Setu program ગુજરાત સરકારે નાગરિકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ તેમના ઘર નજીક, ઓછા સમયમાં અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તા. 5 ઑગસ્ટ, 2026ના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવા અંગે બે અલગ-અલગ ઠરાવો કરીને રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ‘સેવાસેતુ 2.1’ (ગ્રામ્ય) બે તબક્કામાં યોજાશે, જ્યારે શહેરી વિસ્તારોમાં 21 સપ્ટેમ્બરથી સેવાસેતુનો 12મો તબક્કો શરૂ કરવામાં આવશે. આ અંગે GAD દ્વારા રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ નિર્ણય માત્ર એક વહીવટી કાર્યક્રમ નથી, પરંતુ “Government to Citizen” એટલે કે સરકાર પોતે નાગરિક સુધી પહોંચે; તે વિચારસરણીનું સશક્ત દાખલો છે. સરકારનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્ર નાગરિક માત્ર દસ્તાવેજોની અછત અથવા પ્રક્રિયાની જટિલતાને કારણે કોઈ સરકારી યોજનાથી વંચિત ન રહે. આ જ અભિગમ સાથે સેવાસેતુ કાર્યક્રમને વધુ વ્યાપક અને પરિણામલક્ષી બનાવવામાં આવ્યો છે.
*ગ્રામ્ય સેવાસેતુ 2.1 : પૂર્વ તૈયારી*
ગ્રામ્ય સેવાસેતુ આ વખતે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 6 ઑગસ્ટથી 19 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે કે જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવશે તેમજ બેંક ખાતાં, e-KYC, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત વિવિધ યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજોની તૈયારી અને પાત્ર લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે. બીજો તબક્કો 21 સપ્ટેમ્બરથી 9 ઑક્ટોબર, 2026 દરમિયાન યોજાશે કે જેમાં ગામોના ક્લસ્ટર સ્તરે શિબિરો યોજીને નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
*શહેરી વિસ્તારોમાં પણ ઝડપી નિરાકરણ*
ગ્રામ્ય વિસ્તારોની જેમ જ શહેરી વિસ્તારોમાં પણ 21 સપ્ટેમ્બરથી 9 ઑક્ટોબર, 2026 દરમિયાન સેવાસેતુનો 12મો તબક્કો યોજાશે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં વોર્ડ ક્લસ્ટર બનાવી શિબિરો યોજાશે કે જેથી દરેક નાગરિકને પોતાના વિસ્તાર નજીક જ સરકારી સેવાઓ મળી રહે. શિબિરોમાં અરજીઓ સ્વીકારવાથી લઈને દસ્તાવેજોની ચકાસણી, પ્રમાણપત્રોનું વિતરણ તથા વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોટાભાગના કેસોનું નિરાકરણ તે જ દિવસે કરવામાં આવશે અને વિશેષ સંજોગોમાં વધુમાં વધુ સાત દિવસની અંદર ઉકેલ સુનિશ્ચિત કરવામાં આવશે.

