રાજ્ય સરકારના મંત્રીઓ આંદોલનકારી કર્મચારી મંડળોને સમજાવી રહ્યા છે, પણ તેઓ માનતા નથી
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. બીજીબાજુ સરકારના વિવિધ કર્મચારી મંડળોએ પોતાના પડતર પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારના મંત્રીઓએ કર્મચારી મંડળોના અગ્રણીઓને આંદોલન સમેટી લેવા સમજાવવામાં આવી રહ્યા છે. પરંતુ કર્મચારી મંડળના અગ્રણીઓ તમામ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ બન્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ શરૂ થયેલાં સરકારી કર્મચારીઓના આંદોલનને ડામવા સરકારે પાંચ મંત્રીની કમિટી બનાવીને તેમને જવાબદારી સોંપી છે, પરંતુ કર્મચારીમંડળો સરકારના મંત્રીઓની વાત સાંભળવા જ તૈયાર નથી. સરકારી કર્મચારીઓને મંત્રીઓ બે હાથ જોડીને મનાવવા મથી રહ્યા છે. તેમ છતાં તેઓ સાથે કર્મચારીઓ વાત કરવા તૈયાર નથી. કર્મચારીમંડળોએ એવું કડક વલણ અપનાવ્યું છે કે મૌખિક નહીં, લેખિતમાં આમંત્રણ અપાશે તો જ સરકાર સાથે વાતચીત થશે. રાજ્યમાં હાલ વનરક્ષક, તલાટી, પંચાયત સંવર્ગ આરોગ્યકર્મચારી સહિત મોટા ભાગના સરકારી કર્મચારીમંડળોએ સરકાર સામે પડતર પ્રશ્નો ઉકેલવા બાંયો ચડાવી છે. સરકારી કર્મચારી મહામંડળે આપેલા એલાન મુજબ, હવે 11મીએ રાજ્યમાં ઝોન પ્રમાણે રેલી યોજીને સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે. રાજ્યમાં ચૂંટણી ટાણે આંદોલનો ધમધમી રહ્યાં છે. તેમ છતાંય મંત્રીઓની કમિટી કોઈ નિકાલ લાવી શકી નથી. સરકારી કર્મચારીમંડળો નક્કી કરીને બેઠાં છે કે સરકારના વાયદા વચન નહીં, પણ લેખિત ખાતરી આપવામાં આવે તો જ આંદોલન પૂર્ણ થશે.
સૂત્રોના કહેવા મુજબ કર્મચારીમંડળે આરોપ મૂક્યો છે કે મંત્રીઓ મળતિયાઓને બોલાવીને આંદોલન ઠારવાનો ડોળ કરી રહ્યા છે. વાસ્તવમાં એકેય કર્મચારીમંડળના પ્રતિનિધિ મંત્રીઓ સાથે ચર્ચા કરવા ગયા નથી, પણ કર્મચારીમંડળોમાં ફાટફૂટ પડાવી આંદોલનને થાળે પાડવા મથામણ થઈ રહી છે. જ્યાં સુધી સરકાર લેખિતમાં આમંત્રણ નહીં આપે ત્યાં સુધી ચર્ચા કરવામાં નહીં આવે. બીજી તરફ, સરકાર માટે મૂંઝવણ એ ઊભી થઈ છે કે તમામ સરકારી મંડળોની માગો સ્વીકારાય તો સરકારી તિજોરી પર કરોડોનો બોજો પડી શકે છે. જે હાલમાં સરકારને પોષાય એમ નથી. કર્મચારી મંડળોના અગ્રણીઓ એવો આક્ષેપ કરી રહ્યા છે. કે, સરકાર દ્વારા ઉદ્યોગોની માગણીઓ સ્વીકારીને લહાણી કરવામાં આવે છે. જ્યારે સરકારી કર્મચારીઓ માટે ઘરના છોકરા ઘંટી ચાટે જેવી સ્થિતિ છે. કર્મચારીઓમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જો સરકાર પ્રશ્નો હલ નહીં કરે તો કર્મચારીઓ દિલ્હી જંતરમંતર પર દેખાવો કરશે. એટલું જ નહીં, આંદોલનને વધુ વેગવંતું બનાવાશે.
પાટનગર ગાંધીનગરમાં માં ખેડૂતો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી, વનરક્ષકો ઉપરાંત તલાટી અને પંચાયતના વિલેજ કમ્પ્લેયર સહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવીને આંદોલનના મંડાણ કર્યા છે. ખેડૂતોએ તો સમાન વીજદર સહિતના પ્રશ્નો ન ઉકેલાતાં હવે મુખ્યમંત્રી અને મંત્રીઓના બંગલાની બહાર ધરણાંનું આયોજન કર્યું છે. ત્યારે ચારેતરફ આ ધમધમતા આંદોલનની આગને ઠારવા માટે ભાજપે જિતુ વાઘાણી સહિતના પાંચ મંત્રીની કમિટી તો રચી, પરંતુ આમ છતાં આ આંદોલનનું કોઈ નિરાકરણ આવ્યું નથી. (FILE PHOTO)


