
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 44 ટકા જેટલો વરસાદ વરસ્યો
- સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ
- કચ્છમાં સિઝનનો 113 ટકા વરસાદ
- મધ્ય-પૂર્વ ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 43.77 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે. બીજી તરફ ખેતીલાકય વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો પૂર્વ-મધ્ય ગુજરાતમાં નોંધાયો છે.
રાજ્યમાં જુન મહિનાના પ્રારંભ સાથે જ બિપરજોય વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયા બાદ રાજ્યમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં કચ્છમાં સૌથી વધારે 113 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 45.24 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30 ટકા, દક્ષિણ ગુજરાતમાં 33 ટકા તથા સૌરાષ્ટ્રમાં 64 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પણ સતત નવા પાણીની આવક થઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં લગભગ 56 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે 37 જળાશયો 90 ટકાથી વધારે ભરાયાં છે. આવી જ રીતે 15 ડેમ 70થી 80 ટકા તથા 141 જેટલા ડેમ 70 ટકાથી ઓછા ભરાયાં છે.