Site icon Revoi.in

ગાંધીનગરમાં 24 કલાક પાણી આપવાની યોજનામાં તંત્રને જ રસ નથી

Social Share

 ગાંધીનગરઃ પાટનગરને સ્માર્ટસિટી બનાવવા વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે. જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના તમામ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરૂ પાડવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. પણ યોજનાનો ફિયાસ્કો થાય તેવી શક્યતા છે. આ યોજનાની કામગીરી અતિશય વિલંબથી ચાલી રહી છે. નવા સેક્ટરોમાં નવી પાઇપલાઇન નાંખવાનું મુલતવી રાખ્યા બાદ હજુ સુધી મીટરો પણ નાંખી શકાયા નથી. આ યોજનાની કામગીરી જૂન 2024માં પુરી કરી દેવાની હતી પરંતુ હજુ સુધી કામ પુરૂ ક્યારે થશે તેના કોઇ ઠેકાણા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં હાલ જે પાણીનો સપ્લાય આપવામાં આવે છે તેમાં 24 કલાક પાણીની યોજના અમલી બને તેવી કોઇ શક્યતા નથી. સેક્ટરોમાં નવા સરકારી ક્વાર્ટરના ટાવર બનાવવામાં આવે છે, તેમાં પણ જોડાણની સંખ્યા ઘણી વધારે છે. માત્ર સેક્ટર-6માં જ નવા 1500 જેટલા ફ્લેટ બની રહ્યા છે જેને આગામી સમયમાં જોડાણ આપવામાં આવશે. પાણીના સપ્લાય સામે વપરાશને નિયંત્રિત કરવા માટે મીટર એકમાત્ર ઓપ્શન છે, પરંતુ આ યોજનામાં હજુ સુધી મીટરની કામગીરી કરવામાં આવી નથી. શહેરના અનેક સેક્ટરોમાં હોસ્ટેલ ચાલે છે. આ ઉપરાંત અનેક ઘરમાં પીજીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ દરેક જગ્યાએ પરિવાર દ્વારા થતાં પાણીના વપરાશની સામે અનેક ગણો વધારે વપરાશ થઇ રહ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ગાંધીનગરમાં સમગ્ર રાજ્યની સરખામણીએ સૌથી વધુ માથાદીઠ પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ અનિયંત્રિત વપરાશને કારણે આગામી સમયમાં પાણીની અછતની વ્યાપક સમસ્યા સર્જાય તેવા એંધાણ મળી રહ્યા છે. પાણીનો જથ્થો પણ તાત્કાલિક વધારવો શક્ય નથી. તેના માટે આયોજન જરૂરી છે. જૂના સેક્ટરોમાં મીટરો નાંખવામાં આવ્યા છે પંરતુ હજુ સુધી પાઇપલાઇનનું ટેસ્ટીંગ જ ચાલી રહ્યું છે. નવા સેક્ટરોમાં મીટર લગાડવાનું શરૂ કરવામાં આવે તો પણ કામગીરી પૂર્ણ થતાં બેથી ત્રણ મહિનાનો સમય લાગે તેમ છે. ત્યાં સુધી 24 કલાકની યોજના શરૂ થઇ શકે તેમ નથી. સંપૂર્ણ મીટર લાગ્યા બાદ પણ પાણીના યુનિટ દીઠ દર અને તેના વસૂલાત માટેની મંજૂરી સહિતની પ્રક્રિયા ધ્યાને લેતા હજુ એકાદ વર્ષ તો આ યોજના શરૂ થાય તેમ લાગતું નથી.

Exit mobile version